એસિડિટી જેવા રોગ દૂર કરવા વપરાતી કેટલીક દવાઓથી કેન્સરનું જોખમ ઊભું થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ વધુ એક જાહેરહિતની અરજી થઈ છે. લીલા કલરની ગોળીઓની સ્ટ્રીપ ખોલતાં તેમાંથી કથ્થાઈ રંગનો ભેળસેળયુક્ત પદાર્થ નીકળી રહ્યો હોવાનું હાઇકોર્ટને એડવોકેટે બતાવ્યું હતું. એટલું જ નહીં આ સિવાય પણ કેટલાક ઇન્જેક્શન જે લિક્વિડ સાથે મિક્સ કરતાં જુદાજુદા રંગો બદલે છે, તે પણ કોર્ટ સમક્ષ બતાવવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ બાબતોને અતિગંભીર લેખાવતાં સમગ્ર મામલે કેડિલા ફાર્મા અને અન્ય એક ફાર્મા કંપની સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી હવે જૂન મહિનામાં થશે.
ઉલ્લેખનીય છે કે, આવા જ મુદ્દે અગાઉ પણ એક જાહેરહિતની અરજી દાખલ થઈ છે. કેસમાં હાઇકોર્ટે રિટ જે આધારે કરી છે એ સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ રેકર્ડ પર મૂકવા હાઇકોર્ટે કહ્યું હતું. જોકે આ નવી જાહેરહિતની અરજીમાં અરજદાર દ્વારા આ રેકર્ડ સાથે તમામ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને એવી દલીલ કરવામાં આવી છે કે કેટલીક જીવનરક્ષક દવાઓ તેના ધારાધોરણ માટેના ટેસ્ટમાં નિષ્ફળ રહી હોવા છતાંય માર્કેટમાં ધડલ્લે તેનું કરોડો રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે.
અરજદારે એવો ચોંકાવનારો દાવો રજૂ કર્યો હતો કે, એસિડિટી માટેની એક જ દવાનો 400 કરોડ રૂપિયાનો ધંધો છે. અરજદારે અદાલત સમક્ષ પોતાની વાત રાખવા દરમિયાન કોર્ટ સમક્ષ એક દવાની સ્ટ્રીપને ખોલીને દવાઓ કાઢી રજૂઆત કરી હતી કે આ લીલા રંગની દવામાં કથ્થાઇ રંગનું શું છે? ત્યારે એડવોકેટે કહ્યું હતું કે, આ કેન્સરને નોતરતો જોખમી પદાર્થ છે.
અરજદાર તરફથી એડવોકેટની દલીલ હતી કે,‘આ દવા વિશ્વના અન્ય દેશોમાં પ્રતિબંધિત છે. ભારતના હવામાનમાં આ દવા જ્યારે ફોઇલમાં પેક કરવામાં આવે છે, તે સમય હીટની મદદ લેવામાં આવે છે. જે હીટના લીધે દવા સાથે અન્ય વણજોઈતા તત્ત્વો ઉત્પન્ન થાય છે અને એ કેન્સર નોંતરતા જોખમી તત્ત્વ-એનડીએમએને જન્મ આપે છે.
સૂનવણી દરમિયાન હાઇકોર્ટે કેટલી કંપનીઓની દવાઓનો મુદ્દો હોવાનું પૃછતાં અરજદારે બે કંપનીઓનું નામ લીધું હતું. હાઇકોર્ટે રિટ તરીકે જોડવા અરજદારને કહ્યું હતું. બીજી તરફ અરજદાર દ્વારા એક વધારાનું સોગંદનામું કરીને નબળી ગુણવત્તાવાળી જોખમી દવાઓની યાદી પણ હાઇકોર્ટ સમક્ષ મૂકી છે. આ તમામ રજૂઆત અને મુદ્દાને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને હવે વધુ સુનવણી હાથ ધરાશે.