સમગ્ર સુરત માટે તા. 9મી એટલે કે રવિવારની સવાર એક અલગ જ ઉત્સાહ લઈને આવી હતી. કાર્યક્રમ તો ખાસ્સા સમયથી આયોજનમાં હતો પરંતુ તેની ભવ્યતા આ હદે ઝગમગી ઊઠશે એવી કદાચ કોઈને કલ્પના ન હતી.
હકીકતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા “સુરત સાડી વોકેથોન” નું એક ક્રિએટીવ આયોજન થયું. 3 કિમી લાંબી વોકમાં 15 હજારથી વધુ મહિલાઓએ ફ્રી રજિસ્ટ્રેશન કરાવ્ચું હતું.
સુરત માટે એક ખૂબ જ અનન્ય અને એક અલગ જ પહેલ હતી. સિલ્ક સિટીના નામને ચરિતાર્થ કરતાં આ આયોજનમાં એકથી વધુ મેસેજ સુરતે સમગ્ર ભારતીય સંસ્કૃતિને આપ્યા.

યોગ ગરબાના તાલે શરૂ થયેલી આ અનોખી વોકેથોનમાં વિવિધ રાજયોનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓએ સંબંધિત પ્રાંતની ડિઝાઈન, સ્ટાઈલ અને કલર અનુરૂપ સાડીઓ ધારણ કરી હતી. જેમાં હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા, ઓડિશા, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પ. બંગાળ જેવા રાજયોની તુસાર, ગીચા, મધુબની પેઈન્ટિંગ સાડીઓ, કાંથા, કોસા સિલ્ક, ફૂલકરી, પટોળા, ડબલ ઈકત, ટાંગલિયા, અશવલી, ચંદેરી, કોટન બોમકાઈ, કોટપડ, પોચેમ્પલી, બનારસી, જામાવર (બનારસી), લહેરિયા, ગોતા પટ્ટી, બાંધણી જેવી સાડીઓ દ્વારા ભારતના વિશાળ અને વૈવિધ્યસભર પરિધાન અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી થઈ હતી.
સુરતના સાંસદ દર્શના જરદોષ, મેયર હેમાલીબેન બોઘાવાલા સાથે શહેરની ગણમાન્ય અને જાણિતી મહિલા સેલિબ્રિટિઝ વહેલી સવારથી સાડીઓમાં સજ્જ થઈ ઉત્સાહભેર આયોજન સ્થળે પહોંચી હતી. સેલ્ફી ટ્રેન્ડ આજે કંઈક અલગ જ હતો જેનાથી સોશિયલ મીડિયા છલાકાઈ ઊઠ્યું છે.
સુરતની ઓળખ સુરતની પ્રગતિનો સ્તંભ એવો ટેક્સટાઈલ ઉદ્યોગ અહીં એટલા માટે સવિશેષ છે કે, ભારતના તમામ વણાટનું પ્રતિનિધિત્વ કરે છે. સાડીને શરમ માનતી પેઢી હવે પોતે જ આઉટડેટેડ થઈ ચૂકી છે અને સાંસ્કૃતિક ઓળખ એવી સાડી આજની સ્ત્રીઓ માટે ફેશનમાં પણ અલગ જ સ્થાન ધરાવે છે.
આ કાર્યક્રમમાં 15000 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સાડી વોકેથોન પાછળ એ સિવાય પણ એક મુખ્ય મેસેજ હતો અને એ શારીરિક તંદુરસ્તી.
મહિલાઓનો ઉત્સાહ વધારવા સાથે મંત્રી દર્શનાબેન જરદોષ, મેયર હેમાલીબેન બોઘાવાલા, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, વુમન ૨૦ના અધ્યક્ષ ડો. સંધ્યા પૂરીએ પણ સ્પર્ધકોની સાથે વોકેથોનમાં ભાગ લીધો હતો

સુરતની વાત કરીએ તો અહીની મહિલાઓ માટે તંદુરસ્ત શરીરની સૌથી મહત્વપૂર્ણ ચાવીઓ પૈકીની જ એક નથી, સાથોસાથ તે ગતિશીલ અને સર્જનાત્મક બૌદ્ધિક પ્રવૃત્તિનો આધાર છે.¨ફિટનેસ અને આરોગ્ય માટે વોક કરો એ સ્પષ્ટ સંદેશા સાથે સુરતની મહિલાઓ આ વોકમાં જોડાઈ હતી.

ફિટનેસ મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપવા માટે મહાનુભાવોની હાજરીમાં ધ્વજવંદન અને સુરત સાડી વોકાથોનનું ઉદઘાટન પૂર્ણ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું.પોલીસ પરેડ ગ્રાઉન્ડથી SMC અને SSCDL દ્વારા આયોજિત સુરત સાડી વોકાથોનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો.

પરંપરાગત સાડી પહેરેલી મહિલાઓ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સાડીના પરંપરાગત પોશાક માટે ગર્વ લેવા અદમ્ય ઉત્સાહ સાથે ચાલી અને એક સુંદર મેસેજ સવારે સમગ્ર દેશ માટે વહેતો કર્યો.

ભારતીય પરંપરાગત પરિવેશને ઉજાગર કરતી વિવિધ ડિઝાઈન, વણાટ અને મટિરિયલ્સની રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી. વીર નર્મદ દ. ગુજ. યુનિવર્સિટીના વિદેશી મહિલા છાત્રોએ પણ આ વોકેથોનમાં સાડી પહેરી સુરતની ખૂબસૂરત વિચારસરણી અને 'જેવો દેશ તેવો વેશ'ની વિભાવના સાકાર કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ સુરત મહાનગરપાલિકાની પ્રેરક અને અનોખી પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.

ટેક્સટાઇલ સિટીની ભાવનાને પ્રોત્સાહન આપવા અને ડાયમંડ સિટીમાં સ્થાનિક વિચારને સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી 6 યાર્ડની સુંદરતાના સન્માનમાં 15,000થી વધુ મહિલાઓ ફિટનેસ માટે ચાલી હતી.એ અદ્ભૂત નજારો હતો.