આજે રાજ્યના 9.5 લાખ ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપી. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણ અને તંત્રના ચુસ્ત વલણ અને વ્યવસ્થા હેઠળ 3 હજાર સેન્ટર ઉપરથી 1181 બેઠકો માટે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ. પરીક્ષામાં કોઈ ચૂક ન સર્જાય અને ફરી કોઈ ભૂલો લોકોના કેરિયર સાથે ચેડાં કરતી પૂરવાર ન થાય તે માટે સરકારી તંત્ર સજ્જ દેખાયું હતું.
ડમી ઉમેદવારોને ઝડપી લેવા પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાયા છે. કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે CCTV કેમેરાની મદદ બાજ નજરો કેન્દ્ર પર હતી તો એ સિવાય પણ રાજ્યભરમાં 500 થી વધુ સ્ક્વોર્ડ તૈનાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં અંતિમ ઘડીએ પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ હતો. તેવી સ્થિતિ ફરી ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડવામાં આવી ન હતી. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની પરીક્ષા 12 30 થી 1:30 સુધીના સમયગાળાની આ પરીક્ષામાં અત્યાર સુધી ક્યારેય ન જોયો કે જાણ્યો હોય તેવો માહોલ હતો.
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ માટે આ ખૂબ મોટો પડકાર હતો અને એ માટે તેઓ ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા ત્યારે હાલ તો તેમની મહેનતને ચાર ચાંદ લાગી ગયા હોય તેવું નિશ્ચિતપણે લાગી રહ્યું છે.
વાત સુરતની કરીએ તો, એકદમ શાંતિપૂર્વક વાતાવરણમાં આત્મવિશ્વાસ સાથે સુરતમાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પહોંચ્યા હતા અને કોઈપણ અગવડ વગર વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપાયો હતો. જે રીતે તંત્ર છેલ્લા ઘણા દિવસોથી કમર કસી રહ્યું હતું એ ધ્યાન પર લેતાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું પેપર ફૂટે નહિ એવી આશાએ પહોંચ્યા સેન્ટર ઉપર પહોંચ્યા.
તમને જણાવી દઈએ કે, સુરતના 187 કેન્દ્રો પર 63 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી છે. પેપર ડિસ્પેચ કરવા માટે 40 રૂટ નક્કી કરાયા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતી વખતે ફક્ત બોલપેન અને પેડ લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.