દેશભરમાં રામનવમીની ઉજવણી ભારે ધામધૂમપુર્વક કરવામાં આવી. સુરતના તેલુગુ સમાજની આ દિવસે અનેક વિશિષ્ટ પરંપરાઓ હોય છે. સુરત તેલુગુ આદર્શ મિત્ર મંડલીના નેજા હેઠળ શહેરમાં બહોળી સંખ્યામાં અને પેઢીઓથી વસતાં તેલુગુ સમાજના લોકોએ પરવત પાટીયા, મગોબ, લિંબાયત, મીઠીખાડી સહિતના મંદિરોમાં પરંપરાગત રીતે ભવ્યાતિભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આસ્થા અને ભક્તિભાવ સાથે લોકો આ ઉત્સવમાં જોડાયા હતા.

રામનવમીના દિવસે લિંબાયત પ્રતાપનગર સ્થિત માર્કંડેશ્વર મહાદેવ મંદિર, પરવત વિસ્તારના બજરંગનગરમાં બાલાજી મંદિર ખાતે, સહજાનંદ સોસાયટીના જય અંબે મંદિર ઉપરાંત બાલાજીનગર આશાપુરી માં અને સુમનગંગા પરવત મગોબમાં, મીઠીખાડી હનુમાન મંદિરમાં સીતારામ કલ્યાણ મહોત્સવની વહેલી સવારથી જ ભક્તિભય વાતાવરણમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી શરૂ થઈ હતી અને સમગ્ર દિવસ લોકોએ પરંપરાગત આ તહેવારનો આનંદ માણ્યો હતો.

સુરત તેલુગુ આદર્શ મિત્ર મંડલીએ ઉજવણી અંગે વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ભારતમાં આજના ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાય છે અને દક્ષિણ ભારતમાં ભગવાન રામના જન્મોત્સવ સાથે વિવાહ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાનો લગ્નોત્સવ વિધિપૂર્વક વેદ મંત્રોચ્ચાર વડે કરવામાં આવે છે. તેલંગાણાના બદ્રાદ્રીકોત્તાગૂડેમ જિલ્લામાં ગોદાવરી નદીના કિનારે સ્થિત બદ્રાચલમ્ રામમંદિરમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન રામ અને સીતામાતાનાં લગ્નોત્સવની થતી વિધિ અને પૂજાપાઠ અનુસાર જ સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા તેલુગુવાસીઓ રામનવમીની ઉજવણી કરે છે.

લગ્નોત્સવ પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંજે સીતારામની પાલખીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધૂપ દિપ વડે પાલખીયાત્રા જ્યાં-જ્યાંથી પસાર થઈ ત્યાં ભગવાન રામ અને સીતામાતાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભજન સહિત દિવસભરના આયોજનો સાથે રામનવમીની ઉજવણીથી ભક્તોએ ધન્યતાનો અનુભવ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પદ્મશાળી સમાજના આગેવાન દાસરી શ્રીનિવાસ, કુસુમાં શ્રીનિવાસ, રાપોલું બુચ્ચિરામુલુ, કોદુનૂરી પ્રભાકર કૂરાપાટી, મેકલા શ્રીરામુલુ, આડેપુ વેંકન્ના, ચિલુકા સુરેશ, મોહન તાટીપામુલા અને વેણુમારા વગેરે સમાજ શ્રેષ્ઠીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.