સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાતના સાવ અવિક્સીત છેવાડાના ગામો. અહીંની રહેણ-કહેણ અને પ્રકૃત્તિ સાવ અલગ જ તરી આવે છે. મહેમાનગતિની મજા આજેપણ ગામડાંઓમાં એટલી જ જીવંત હોય છે. આ ગામડાઓનું જીવન હવે અભડાઈ રહ્યું છે અને એ આભડી રહ્યો છે વિકાસ. મહેમાનગતિમાં કોઈને આગ્રહ કરી કરીને પીરસવું એ ગ્રામ્ય સંસ્કૃતિનો ભાગ છે. દોણી ભરીને છાશ રાખવી અને એકબીજાના ઘરે છાશનો વ્યવહાર હોવો એ જીવંત સંબંધોનું પ્રતિક છે
આ છાશ આજે દિવસભર ટ્વિટર પર છવાઈ રહી, વિષય એ નહતો કે છાશ ધરતી પરનું અમૃત છે અને ગરમીમાં તે ખૂબ ઉપયોગી પીણું છે વિષય હતો કે જે છાશ ગામડાના ઢાબાઓ પર માટલાં ભરી-ભરીને લોકોને પીરસવામાં આવે છે એ છાશ એક સ્થળે આટલી મોંઘી કેવી રીતે છે. લોકો પૂછી રહ્યા છે કે આ છાશમાં અમૃતથી વધારે પણ એવું તો શું છે.
પ્રવાસન સ્થળો હોય કે પછી એવા ધાર્મિક સ્થળો જ્યાં લોકો મોટી સંખ્યામાં પહોંચે ત્યાં ભાવ બાબતે લૂંટફાટ હોય જ છે જાણે એ લોકો તેના પરવાનેદાર છે. પરંતુ આજે જે વાત ચર્ચાના જબરદસ્ત ચગડોળે ચડી છે એ બેહદ બેફામ અને બેશરમાઈની હદ વટાવતી સાબિત થાય એવી છે. હકીકત એમ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશના વડાપ્રધાન મોદીનો એવો ડ્રીમ પ્રોજેક્ટ છે જે સાકાર થયા બાદ કલ્પનાથીી પણ વધારે દેશ-વિદેશમાં લોકભોગ્ય સાબિત થયો. લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં ફરવા માટે પહોંચે છે એવામાં ત્યાં ખાણી-પીણી અને હોટલના ભાડાં આંખ મીંચીને વસુલાતાં લોકો અકળાયા છે.
ફરવાના સ્થળો પર ભાવ વધારો એ લોકોને એમ તો કોઠે પડી ગયેલી બાબત છે પરંતુ અહીં હદ વટાવતાં લૂંટારૂઓએ છાશના ગ્લાસનો ભાવ દારૂ-બિયર કરતાં પણ તોતિંગ રાખ્યો છે.ગરૂડેશ્વર નર્મદા ખાતે સંકલ્પ ગાર્ડન ઈન નામના રેસ્ટોરાંમાં સાદી છાશનો ભાવ રૂ. 200 વસૂલાય છે. બીલ સાથે સોશિયલ મીડિયામાં આ વાત વાઈરલ થઈ રહી છે અને લોકો તરેહ-તરેહની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે કે આખરે આ છાશમાં એવું તો શું છે કે આટલો ભાવ નક્કી કરવામાં આવ્યો.