સુરત એરપોર્ટ પર બોલિવુડ મુવીના એક ડ્રામા સીન માટે શૂટિંગ થયુ હતું. બોલીવુડના જાણીતા અભિનેતા નિલ નીતિન મુકેશે હિસાબ બરાબર ફિલ્મનું શૂટિંગ અહીં કર્યું હતું. ટર્મિનલ બિલ્ડીંગના અરાઈવલ એરિયામાં બૉમ્બ મુકવા અને વિમાન હાઈજેક કરવાનું દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરીથી આ શુટિંગ મોડી રાત સુધી ભજવાયું હતું.
સાંજે કલાકો સુધી બીજી ફ્લાઈટની અવર જવર નહીં હોવાથી એરપોર્ટ પર ફિલ્મ શૂટિંગ માટે બોલીવુડની નજર સુરત એરપોર્ટ પર ઠરી છે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગના અરાઇવલ એરિયાના એક ભાગમાં લગેજ બેગના ઢગલા સાથે નિલ નીતિન મુકેશ પર દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, સહયોગી અભિનેતાઓ અને શૂટિંગ સ્ટાફનો મોટો કાફલો લાવવાને બદલે સુરતની ગુજરાતી રંગભૂમિના 30થી 40 કલાકારોને નિલ સાથે અભિનયની તક આપવામાં આવી હતી.
ફિલ્મનો પ્લોટ કંઈક એવો હતો કે, ટર્મિનલ બિલ્ડીંગમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગેજમાં બોમ્બ શોધે છે, વિમાન હાઈજેકનો પ્લાન નિષ્ફળ બનાવવાનો પ્રયાસ થાય છે. એરપોર્ટ ઓથોરિટી સુત્રોએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યા અનુસાર, ફિલ્મના શૂટિંગ માટે ગતરોજ સાંજે 5થી આજે સવારે 5 વાગ્યામાં શૂટિંગ પૂરું કરવા મંજૂરી આપી હતી.
CiSF અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનાં જવાનોનો રોલ સુરતનાં કલાકારોએ આ ફિલ્મમાં કર્યો છે. હિસાબ બરાબર ફિલ્મનું દિગ્દર્શન અશ્વિન ધીર કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં નીલ નીતિન મુકેશ, માધવન, કીર્તિ કુલ્હારી અને અભિનેત્રી રશ્મિ દેસાઈ છે. અહીં એ પણ જાણવું રસપ્રદ છે કે, રશ્મિ નવસારીની વતની છે. સુરત એરપોર્ટથી રાતે ઉપડતી બેંગલુરૂની ફ્લાઈટનાં પેસેન્જર્સ સુરત એરપોર્ટ પર નિલ નીતિન મુકેશને શૂટિંગ કરતાં જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. શૂટિંગના વિરામ દરમિયાન નિલ મુકેશે પેસેન્જરો, સહ કલાકારો, એરપોર્ટ સ્ટાફ સાથે મન મૂકીને સેલ્ફી અને ફોટોગ્રાફીનો પણ આનંદ લીધો હતો. ફિલ્મનું શૂટિંગ લગભગ સમગ્ર રાત ચાલ્યું હતું.