વાડિયા ગ્રુપની માલિકીની એરલાઇન્સ GoFirst લગભગ નાદારીની આરે છે. ભંડોળની અછતને કારણે, એરલાઇન કંપનીએ તેની તમામ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. એરલાઈન્સનું કહેવું છે કે તેમની પાસે ઓઈલ કંપનીઓના લેણાં ભરવા માટે પૈસા નથી. આ પછી એરલાઈને 03 થી 05 મે 2023 સુધીની તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી હતી. જે મુસાફરોએ GoFirst એરલાઈન પર ટિકિટ બુક કરાવી હતી તેઓ હવે તકલીફમાં મુકાઈ ગયા છે.
સસ્તી ફ્લાઇટ સર્વિસ આપતી એરલાઇન ગો ફર્સ્ટના આ પગલાની મુસાફરો પર અસર પડી રહી છે. એરપોર્ટ પરથી ઘરે પરત ફરી રહેલા મુસાફરો પરેશાન છે. જેમણે ટિકિટ બુક કરાવી હતી તેમની પાસે હવે માત્ર બે જ વિકલ્પ બચ્યા છે, કાં તો તેમની મુસાફરી કેન્સલ કરો અથવા અન્ય એરલાઇન્સ પાસેથી ઊંચા દરે ટિકિટ બુક કરો. ગોફર્સ્ટની ભારતમાં મજબૂત હાજરી હોય તેવી મોટી એરલાઇન્સ પર સ્પોટ ભાડા (તત્કાલ અથવા ઇન્સ્ટન્ટ ટિકિટિંગ) વધ્યા છે. કારણ કે હાલમાં એરલાઈન્સ કોઈ ફ્લાઈટ ઉડાડશે નહીં. GoFirst કામગીરી બંધ થવાથી માંગમાં અચાનક વધારો થયો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર હવાઈ ભાડાંમાં વધારો થયો છે. આ રૂટમાં દિલ્હી-શ્રીનગર, મુંબઈ-ગોવા અને દિલ્હી-લેહ રૂટનો સમાવેશ થાય છે. આ માટે, અચાનક અથવા તાત્કાલિક મુસાફરી માટે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતું ભાડું 43 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે.
હકીકતમાં, GoFirst એરલાઇનનું દિલ્હી-શ્રીનગર રૂટ પર મજબૂત સંચાલન હતું. એરક્રાફ્ટ કન્સલ્ટન્સી સિરિયમના ડેટા દર્શાવે છે કે એરલાઈને મે મહિનામાં રૂટ પર દર અઠવાડિયે 75 ફ્લાઈટ્સ ચલાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. દિલ્હી-શ્રીનગર રૂટ પર તત્કાલ ભાડા એક સપ્તાહની અંદર 17.82 ટકા વધ્યા છે, ટ્રાવેલ પોર્ટલ ixigoના ડેટા દર્શાવે છે. GoFirstનો બીજો સૌથી વ્યસ્ત રૂટ મુંબઈ-ગોવા હતો, જ્યાં તેણે મે મહિનામાં દર અઠવાડિયે 68 ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ixigo ડેટા દર્શાવે છે કે એક સપ્તાહમાં આ હવાઈ માર્ગ પર તત્કાલ ભાડામાં 43.02 ટકાનો વધારો થયો છે. કંપનીના નિર્ણય પછી, આગામી દિવસોમાં આ રૂટ પરના ભાડા 20-40 ટકા મોંઘા થઈ શકે છે, કારણ કે મે મહિનામાં બાળકોની રજાઓ સાથે મુસાફરીની સિઝન શરૂ થઈ ગઈ છે.
વિવિધ ટ્રાવેલ એક્સપર્ટ્સનું કહેવું છે કે GoFirst જે સસ્તી એરલાઈન્સ માટે જાણીતી છે, તેમાં લોકોએ પોતાના બજેટ પ્રમાણે બુકિંગ કરાવ્યું હતું, પરંતુ હવે GoFirstનું સસ્તું ભાડું તેમને મોંઘુ પડી રહ્યું છે. એરલાઇન્સની ફ્લાઇટ્સ કેન્સલ થયા બાદ મુસાફરોએ તેમની ટિકિટ અન્ય એરલાઇન્સમાં બુક કરાવવી પડશે. મુસાફરો પાસેથી દોઢથી ચાર ગણું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. અન્ય એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ ટિકિટના દરમાં વધારો કર્યો છે. ખાસ કરીને એવા રૂટ પર જ્યાં ગો ફર્સ્ટનું વર્ચસ્વ હતું. એમપણ વેકેશનનો લાભ ઊઠાવીને ભાડાઓમાં વધારો થતો હોય છે ત્યારે હવે આ નવી કટોકટીથી મુસાફરો માટે ઊડવું અઘરૂં બન્યું છે.