રાહુલ ગાંધીને સજા ફટકારનાર સુરત ચીફ કોર્ટના ન્યાયાધીશ હરીશ વર્માને પ્રમોશન મળ્યું છે. તેમને રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બઢતી સાથે બદલી અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં 68 જજોની બઢતી સાથે બદલી થઈ છે, એ પૈકી પાંચ ન્યાયાધીશને ડિસ્ટ્રીકટ જજનું પ્રમોશન મળ્યું છે.
રાજયના કાયદા વિભાગ દ્વારા 68 જેટલા ન્યાયાધીશોની બદલીના ઓર્ડર જારી થયા છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા ફટકારનાર સુરત ચીફ કોર્ટના જજ હરીશ હસમુખભાઇ વર્મા સહિત સુરત અને જિલ્લામાંથી જુદી જુદી કોર્ટના 6 જજોની બઢતી સાથે બદલી થઈ છે. જજ હરીશ વર્માને એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બઢતી આપી રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટનો હવાલો સોંપાયો છે, તેમની જગ્યાએ સુરતના જજ એમ.આર.ખેરને ઇન્ચાર્જ તરીકે હવાલો સોંપાયો છે.
સુરત સિવિલ કોર્ટમાં પ્રિન્સીપાલ સિનિયર સિવીલ જજ પરેશકુમાર પટેલને બઢતી સાથે સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં 18મા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિયુક્ત કરાયા છે. સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં પાંચમા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે. બારડોલીના એડીશ્નલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સીપાલ સિનીયર સિવીલ જજ ઉત્તમકુમાર સિંધીને બઢતી આપી બારડોલી ડિસ્ટ્રીકટ કોર્ટના 17મા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ નિયુક્ત કરાયા છે.
સુરત જિલ્લાની કઠોર કોર્ટના પ્રિન્સીપાલ સિનીયર સિવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટને ડિસ્ટ્રીકટ કોર્ટ જામનગરના ચોથા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ બનાવવામાં આવ્યા છે અને સુરત સ્મોલ કોસ કોર્ટના કુ. બિંદુ ગોપીકિશન અવસ્થીની કચ્છ જિલ્લાની અંજાર કોર્ટના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક થઈ છે.