ગુજરાતના વાતાવરણમાં આ વર્ષની શરૂઆતથી જ ઘણાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. સતત વરસાદી માહોલ અને ગરમીની બદલાયેલી પેટર્ન આરોગ્યથી લઈને ખેતીવાડી સુધી ચિંતા ઉપજાવી રહી છે. નવતપાની શરૂઆત સાથે ચોમાસાના વાદળો બંધાવાની આશા ખેડૂતોમાં જન્મે છે પરંતુ વિધીની વક્રતા જુઓ કે, ચોમાસું તો દક્ષિણ તરફથી સહેજ ફેરફારો સાથે આગળ વધી જ રહ્યું છે પરંતુ એ પૂર્વે પણ ફરી ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ વર્તાયા છે. સતત આ માહોલ વચ્ચે આ વખતે ચોમાસા પૂર્વે પતાવવાના હોય છે તેવા જાહેર વિકાસના કામોમાં પણ તંત્રને પારાવાર તકલીફોનો સામનો કરવો પડ્યો અને તેની માઠી અસર સામાન્ય જનજીવન પર પણ વર્તાઈ.
ગુજરાત પર ફરી એકવખત માવઠાની શક્યતા ઝંબોળાઈ રહી છે. ત્રાટકશે. મે મહિનાની અંતિમ તારીખોમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ તો પલટાશે પરંતુ તેની ખેડૂતો પર માઠી અસર થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે, 24 થી 30 મે દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટી તરીકે જોવામાં નથી આવી રહ્યો પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે જેના કારણે કમોસમી વરસાદ સર્જાઈ શકે છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે.
2023નું વર્ષ હવામાન બાબતે સૌથી વિચીત્ર સાબિત થઈ રહ્યું છે અને એ બદલાતી પેટર્નની અસર છે કે, અનિયમીત કુદરતી સંજોગો એ સમજવા હજી બે સિઝનનો અભ્યાસ મહત્વપૂર્ણ સાબિત થશે એમ હવામાન ખાતાના વૈજ્ઞાનિકોનું માનવું છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાંથી ઉનાળુ પાકને અસર પડી શકે છે. ગુજરાતના ખેડુતો માટે એ ચિંતાનો વિષય છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આંદામાન-નિકોબાર વિસ્તારમાં ચોમાસાનુ આગમન થઈ ચૂક્યું છે. સામાન્ય સંજોગોમાં 21 મેએ ચોમાસું પોર્ટબ્લેર પહોંચતું હોય છે જે આ વખતે તા. 25મી સુધી પહોંચશે. બદલાતા વાતાવરણમાં ગુજરાતમાં કાળઝાળ ગરમીથી 3 દિવસમાં રાહત મળી શકે છે.
બીજીતરફ તંત્ર પણ ચોમાસાની બદલાતી પેટર્નમાં ભેરવાઈ પડતાં લોકો માટે આ ચોમાસું તકલીફોભર્યું રહી શકે છે. ચોમાસાની શરૂઆત પૂર્વે રસ્તા, બાંધકામ જેવા કામો તંત્ર ઝડપભેર એ રીતે આટોપી લેવાનો પ્રયત્ન કરતું હોય છે કે, ચોમાસા દરમિયાન ખાડાઓ અને માટીની ચિકાશ વગેરેથી અકસ્માતો ન સર્જાય અને લોકોને હાલાકી ન પડે. ડીજીવીસીએલ અને ટોરેન્ટ કંપની પણ હાલ પ્રિ-મોન્સુન મેઈન્ટેનન્સ કામગીરી માટે જોતરાઈ ચૂકી છે. જોકે આ વખતે સમગ્ર ઉનાળા દરમિયાન થોડા થોડા દિવસે બદલાયેલા હવામાનથી કામકાજોને અસર પહોંચી છે ખાસ કરીને જ્યાં મેટ્રો, ડ્રેનેજ જેવા મોટા પ્રોજેક્ટના કામો ચાલી રહ્યા છે.