આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના હેરિસ પાર્ક વિસ્તારની શેરીઓ ભારતીયતાના રંગમાં રંગાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર તા. 23મે એ અહીં પહોંચવાના છે. તેમના સ્વાગતની અતિભવ્ય તૈયારીઓમાં સમગ્ર વિસ્તાર વ્યસ્ત છે. મંગળવારે વડાપ્રધાન મોદી સિડની શહેરના હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલવાના છે. તેનું નવું નામ ‘લિટલ ઈન્ડિયા’ રાખશે. સિડનીની ત્રણ સ્ટ્રીટને સામૂહિક રીતે લિટલ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે.અહીં સૌથી વધુ વસ્તી ગુજરાતીઓની છે.
ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં સ્થિત એક ઉપનગર હેરિસ પાર્ક હવે ‘લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાશે. આ વિસ્તારમાં પહોંચ્યા પછી કોઈ પણ ભારતીયને એવું નથી લાગતું કે તે ભારતની બહાર કોઈ અન્ય દેશમાં ફરે છે. અહીં ભારતીય સમુદાયની મોટી વસ્તી છે. એક અંદાજ મુજબ અહીં રહેતો દરેક બીજો વ્યક્તિ ભારતીય છે. એટલા માટે જે લોકો ઓસ્ટ્રેલિયામાં ભારતીય અનુભવ કરવા માગે છે તેઓએ ‘લિટલ ઈન્ડિયા’ની મુલાકાત લેવી જ જોઈએ.
હેરિસ પાર્કનો સૌથી પ્રખ્યાત વ્યાપારી વિસ્તાર વિગ્રામ સ્ટ્રીટ છે અને તેમાં ઘણી ભારતીય કરિયાણાની દુકાનો, મસાલાની દુકાનો, કપડાં અને દાગીનાની દુકાનો છે. ‘લિટલ ઈન્ડિયા’માં તમને ઘણી ભારતીય રેસ્ટોરાં અને ભોજનશાળાઓ પણ જોવા મળે છે અને જ્યાં સ્થાનિક ઓસ્ટ્રેલિયનો પણ ખાવા માટે શોખથી આવે છે. અહીં પરંપરાગત ભારતીય મીઠાઈઓ, સ્ટ્રીટ ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અન્ય ભારતીય તહેવારોની સાથે દિવાળી અને હોળી પર દર વર્ષે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના લિટલ ઈન્ડિયામાં લગભગ 6 લાખ ભારતીયો રહે છે, જે અહીંની કુલ વસ્તીના લગભગ 45 ટકા છે. તેમાં પણ 15 ટકા લોકો ગુજરાતી ભાષી છે. 11 ટકા લોકો હિન્દી બોલે છે અને 5 ટકા વસ્તી પંજાબી છે. બાકીની વસ્તીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે. અહીં પહોંચીને એવું લાગે છે કે જાણે આપણે કોઈ મિની ઈન્ડિયામાં પહોંચી ગયા છીએ.