અત્યાર સુધી તો ટ્રાફિક પોલીસ માત્ર હેલમેટ ન પહેરવા બદલ વાહનચાલકોને દંડ ફટકારતી હતી પરંતુ હવે હેલમેટ પહેર્યા પછી પણ દંડ ફટકારી રહી છે. એ એવા ચાલકો છે જે પોતાની સેફ્ટી માટે નહીં પણ ફક્ત પોલીસને બતાવવા માટે હેલમેટ ધારણ કરે છે. ઘણાં વાહનચાલકો યોગ્ય માપદંડ વગરના અસુક્ષિત અને સસ્તા હેલમેટ પહેરે છે એ પણ ક્યારેક ન તો હેલમેટ બેલ્ટ યોગ્ય રીતે બાંધ્યા વગર લટકતો રાખવામાં આવ્યો હોય અથવા તો એવી વિચીત્ર રીતે પહેરેલું હોય છે કે જેનાથી બીજાને જોખમ ઊભું થાય. એવા સંજોગોમાં હેલમેટ પહેરવાનો કોઈ અર્થ સરતો ન હોવાથી એવા બેદરકાર વાહનચાલકોને પણ દંડ કરવાનું પોલીસે નક્કી કર્યું છે.
વાહનચાલકોની સુરક્ષા માટે મોટર વાહન અધિનિયમ, 1988માં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે. એ નિયમ અનુસાર જ ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે હેલમેટ ન પહેર્યું હો. તેવા વાહનચાલકો પાસેથી પણ દંડ વસૂલી રહી છે. ટુંકમાં જો તમે હેલમેટ પહેર્યું તો હોય પરંતુ તે યોગ્ય રીતે નથી પહેર્યું તો પોલીસ ચલણ કાપી શકે છે.
ઘણા લોકો હેલમેટ પહેરે છે પરંતુ ફક્ત પોલીસ કે તેમના સીસીટીવીથી બચવાની ઔપચારિકતા માટે. આ વાહનચાલકો એવા હોય છે જેમના માથાનો માંડ અડધા ભાગ તેનાથી ઢંકાયેલો રહે છે. હેલમેટ ટકી રહે તેના માટેનો બેલ્ટ પણ જોડાયેલો હોતો નથી. આ રીતે હેલમેટ ધારણ કરવું એ ન બરાબર એટલે કે અર્થ વગરનું જ છે. તેનાથી સુરક્ષાનો હેતુ પણ સહેજે સિદ્ધ થતો નથી.
આવા વાહનચાલકોને રોકવા માટે અને કાયદાનું યોગ્ય રીતે પાલન થઈ શકે એ માટે માર્ગ અને પરિવહન મંત્રાલયની ભલામણથી મોટર વાહન અધિનિયમ (1988) માં નવો કાયદો ઉમેરાયો છે. આ કાયદાનો ભંગ કરતાં ટુ-વ્હીલર ચાલકોને રૂ. 1,000નો દંડ થઈ શકે છે. ડુપ્લિકેટ એટલે કે ISI માર્ક વગરનું હેલમેટ હોય તેવા કિસ્સામાં પણ 1000 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ નવા નિયમોમાં છે. હેલમેટ ન પહેરવા બદલ 2000 રૂપિયાનો દંડ થઈ શખે છે.