અમદાવાદ સ્થિત રાજસ્થાન હૉસ્પિટલના બેઝમેન્ટમાં રવિવારે મળસ્કે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ આગ બેઝમેન્ટમાં લદાયેલા ભંગારમાં લાગી હતી. આગથી બેઝમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા વધતા તેણે વિકરાળ સ્વરુપ પકડ્યું હતું. જોકે, આગ લાગતાની સાથે જ અહીંના 100 જેટલા દર્દીઓને સમયસર સુરક્ષિત રીતે બીજે શિફ્ટ કરવામાં આવતાં કોઈ અનહોની થઈ નથી.આઈસીયુ સિવાયના દર્દીઓને સુરક્ષિત અન્યત્ર લઈ જવા 20 થી વધુ એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી હતી. આગમાં અનેક વાહનો જોકે, 50 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરબ્રિગેડના સુત્રોએ ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ મળસ્કે ચારેક વાગ્યાના અરસામાં લાગી હતી. બે બેઝમેન્ટમાં ઝડપભેર આગ ફેલાતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કોલ મળતાં જ ઝડપભેર આધુનિક સાધનસરંજામ સાથે પહોંચેલા ફાયરબ્રિગેડના લાશ્કરોનું કહેવું હતું કે, બેઝમેન્ટ-2માં ફર્નિચરનો ભંગાર પડ્યો હતો, ફોર્મ પડ્યુ હતું, જેના સંપર્કમાં આવવાને કારણે આગ વિકરાળ સ્વરૂપે પ્રસરી હતી. જોકે આગના કારણો અંગે હજી કોઈ સ્પષ્ટ ખુલાસો નથી થઈ રહ્યો.