સુરતમાં ગત મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં માસા અને માસુમ ભાણેજનું સહીત અન્ય એક યુવકનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોડીરાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાં સાઈડમાં બાઈક બેઠેલા 6 લોકોને અડફેટે લીધા હતા.જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર જય આગળની તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.
આ અકસ્માતમાં ભોગ બનનાર અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક 100 કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.
તો બીજી તરફ આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.ત્યારે આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે.જો કે હાલતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.