વિશ્વ ઉમીયાધામ સંગઠનના સહયોગથી અને અમેરિકામાં વસતા પાટીદાર સમાજ તેમજ ગુજરાતી સમાજનાં સહિયારા પ્રયાસોમાં અમેરિકાના ત્રણ શહેરમાં ઉમિયા માતાના મંદિર બનશે. જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જયોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્ર બિન્દુથી પ્રજ્વલીત અને પ્રસારિત કરવાના ભગીરથ કાર્ય માટે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ તેમજ 6 ટ્રસ્ટીની ટીમ અમેરિકાનાં પ્રવાસે છે ત્યારે આ જાહેરાતથી વિદેશમાં વસતાં ભારતીયોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

વિશ્વ ઉમિયાધામ ટીમની ગત સપ્તાહે અમેરિકાના ત્રણ રાજયોમાં એક બેઠક મળી હતી. જેમાં વિશ્વ ઉમિયાધામની અમેરિકા ટીમનાં વિવિધ ચેપ્ટરોની ટીમે ઈન્ડિયાનાં સ્ટેટનાં ઈન્ડિયાના પોલીસ શહેરમાં તેમજ મિશિગનનાં સ્ટેટનાં ડેટ્રોઈટ શહેરમાં ઉપરાંત કેન્સાસ સ્ટેટમાં જગત જનની ઉમિયા માતાનાં ભવ્ય મંદિર નિર્માણનો અને મૂર્તિ સ્થાપન વિશ્વ ઉમીયાધામના પ્રયત્નોથી થશે તેવો સંકલ્પ લેવાયો છે.
નજીકનાં ભવિષ્યમાં જ વિશ્વ ઉમિયાધામના સહયોગથી અને અમેરિકામાં વસતા પાટીદાર સમાજ તેમજ ગુજરાતી સમાજનાં નેતૃત્વમાં ત્રણ શહેરોમાં મા ઉમિયાનુ મંદિર બનવાની તૈયારી છે ત્યારે વિશ્વ ઉમિયાધામ દ્વારા મિશિગન કેન્સાસ અને શિકાગો સ્ટેટમાં સ્નેહમિલન સમારોહનું આયોજન થયું હતું.
આ સમારોહમાં અમેરિકા વસતા 1000 થી વધારે ભારતીય પરિવારોની ધ્યાનાકર્ષક અને ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ હતી. યુએસએ ઈન્ડિયાનાં પોલીસ ચેપ્ટર સ્નેહમિલન સમારોહમાં પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાનાં વિઝન અને મિશનથી ભારે સંખ્યામાં ઉપસ્થિત લોકોને સુમાહિતગાર કર્યા હતા.