કેન્દ્રીય નાણા મંત્રાલયે સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી હતી. આ સિક્કા પર નવા સંસદ ભવન સંકુલનું ચિત્ર છાપવામાં આવશે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવન સંકુલનું ઉદ્ઘાટન કરશે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ આ 75 રૂપિયાનો સિક્કો ગોળ હશે અને તેનો વિસ્તાર 44 મીમી હશે. આ સિક્કાની બાજુઓ પર 200 ક્રેસ્ટ બનાવવામાં આવ્યા છે. આ સિક્કો 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનું મિશ્રણ કરીને બનાવવામાં આવશે.
સિક્કા પર સત્યમેવ જયતે લખવામાં આવશે અને સિક્કા પર અશોક સ્તંભ પણ કોતરવામાં આવશે. સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી ભાષામાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે. એ જ રીતે સિક્કાની ઉપરની બાજુએ દેવનાગરી ભાષામાં સંસદ ભવન લખેલું હશે અને તેની નીચે સંસદ ભવન સંકુલનું ચિત્ર પણ છાપવામાં આવશે. સિક્કાની ડિઝાઈન બંધારણની પ્રથમ સૂચિ મુજબ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનાં નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સંસદ ભવનના નવા સંકુલના નિર્માણ માટે 861 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેનો ખર્ચ 1200 કરોડ રૂપિયા થયો હતો. જો કે સંસદભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને પણ ભારે રાજકારણ થઈ રહ્યું છે. વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિ પાસે નવા સંસદ ભવન સંકુલનું ઉદ્ઘાટન કરવાની માંગ કરી રહી છે. આ જ કારણ છે કે સંસદ ભવનના નવા સંકુલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 20 વિપક્ષી દળોએ ભાગ લેવાની ના પાડી દીધી છે. વિપક્ષી દળોનો આરોપ છે કે સંસદ ભવનનાં નવા સંકુલનું ઉદ્ઘાટન ન કરવું કે રાષ્ટ્રપતિને સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે સ્પીકર સંસદના રખેવાળ છે અને તેમણે વડાપ્રધાનને આમંત્રણ આપ્યું છે. આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ.