આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર આ સપ્તાહના શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર વર્લ્ડ કપની સૌથી ખાસ મેચોમાં આવે છે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા છે. આ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેશે. જોકે ખાલીસ્તાની ધમકીઓ બાદ હવે, ઈઝરાયેલ તથા હમાસ વચ્ચેના યુદ્ધનો તનાવ વાતાવરણમાં ઉમેરાયો છે. ભારતના અમુક શહેરોમાં દેખાવો બાદ અમદાવાદમાં કોઈ બિનજરૂરી તનાવ પેદા થાય નહી તે પણ જોવું રહ્યું.
ભારત-પાકિસ્તાનની ટીમ મેચ હંમેશાથી જ હાઈવોલ્ટેજ જંગ હોય છે. બંને દેશોના દર્શકો પણ ખૂબ જ આ મેચ માટે અતિસંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસની જવાબદારી વધી છે. એક લાખથી વધુ પ્રેક્ષકોની સંખ્યા સ્ટેડિયમમાં જોવા મળશે. મેચની તમામ ટિકીટો વેચાઈ ગઈ છે. રાજય બહારથી પણ હજારો પ્રેક્ષકો પહોંચવાના હોવાથી એરપોર્ટ રેલવે સ્ટેશન તથા હાઈવે પર પણ ખાસ પોલીસ વોચ ગોઠવવામાં આવી છે.
અમદાવાદમાં ભારત-પાકિસ્તાન આ મેચમાં કાયદો-વ્યવસ્થાને સહેજે આંચ ન આવે એ ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા પ્રબંધોની સમીક્ષા બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખાલીસ્તાનીઓએ મોદી સ્ટેડીયમ પર હુમલાની ધમકી આપી છે તો અધુરામાં પુરું ભારત-પાકિસ્તાન મેચ ઉપરાંત ઈઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગુજરાતમાં કોઈ તનાવ સર્જાય નહી એ અગમચેતીના ભાગરુપે અમદાવાદ સહિતના રાજયના સંવેદનશીલ શહેરમાં પેરામીલીટ્રી ફોર્મ તૈનાતી કરવા નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિ.માં રવિવારે દેખાવો યોજાયા હતા જેમાં ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા.એવા કોઈપણ સંજોગોને ઉગતાં જ ડામી દેવા અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલીટ્રી ફોર્સ ગોઠવવાનો નિર્ણઁય લેવાયો છે. ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો ગુજરાતની પ્રજાનો ભરપૂર પ્રેમ હંમેશા જ ભારતીય ટીમ માટે જોમવર્ધક રહ્યો છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં એક વખત પણ ભારત સામે જીત મેળવી શકી નથી. આ બંને ટીમો ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 7 વખત સામસામે આવી ચુકી છે. આ વખતે પાકિસ્તાન માટે અહીં જીત નોંધાવવી વધુ મુશ્કેલ હશે કારણ કે આ ગુજરાત છે.