ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય તો તેમને ફરીથી સ્કૂલમાં એડમિશન આપવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગે સ્વીકારતાં આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ અગાઉ આ નિયમને રદ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી આ નિયમ ફરીથી લાગુ થવાને કારણે વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નિયમ વર્તમાન સત્રથી એટલે કે, 2023થી ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ મળશે.
વર્તમાન પ્રણાલી અનુસાર, વિદ્યાર્થીઓએ રિપીટર તરીકે પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. ઘણાંખરા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. વિદ્યાર્થીઓની આ ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી.