રાજકોટમાંથી ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. દેરડી કુંભાજી રહેતા ખાતરા પરિવારના ચાર- ચાર સભ્યોની અર્થી એકસાથે ઉઠી છે. સમગ્ર દેરડી કુંભાજી ગામ શોક મગ્ન થયું છે. સમગ્ર ગ્રામજનોએ કામ ધંધા બંધ પાડીને શોક વ્યક્ત કર્યો છે. કચ્છના લાકડીયા નજીક ચાર જૂનની (મંગળવારે) સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થવા પામી હતી.
આ ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઇ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દેરડી (કુંભાજી) ગામના ખાતરા પરિવારના ત્રણ અને બહેન, ફોઈ, સહિતના કુલ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.જેના કારણે તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.
અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરાતેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા, પુત્ર રૂદ્ર ભાવેશભાઈ ખાતરા, તેમજ ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઇ ગોરસિયા રહે. રાજકોટ, ફોઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા રહે. બગસરા સહિતના એક જ પરિવારના પાંચ લોકોના તથા દેરડી કુંભાજી ગામના ઈકો કાર ચાલક બહાદૂરભાઈ કાળુભાઇ સહિતના કુલ છ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા.
આ ગોઝારી ઘટનામાં ગામના લોકો પણ શોકમગ્ન થઈ ગયા હતા. ગઈકાલે જ્યારે અકસ્માતના સમાચાર ગ્રામજનોને મળ્યા હતા ત્યારથી જ ગામના લોકોમાં એક દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે મૃતદેહ વહેલી સવારે દેરડી કુંભાજી ગામે પહોંચ્યા ત્યારે ભાવિક દ્રશ્યો સર્જાયા હતા તો મૃતકોના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત પુત્ર વૈદ ખાતરાએ નીટની પરીક્ષા ટોપ માર્કસ સાથે પાસ કરી છે
અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભૂજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ ભાવેશભાઈ ખાતરાએ માતા-પિતા, નાનાભાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે. ત્યારે વૈદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેણે આપેલી નીટની પરિક્ષામાં 720 માર્કસમાંથી 691 માર્કસ મેળવીને ઉતીર્ણ થયો હતો. આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી(કુંભાજી) ગામનું ગૌરવ વધાર્યુ હતું. તો બીજી તરફ વૈદને નીટમાં ટોપ નંબરના સારા માર્કસ પ્રાપ્ત થતા તેમના પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા. બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.