ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે આજે અત્યાર સુધી કોઈ સ્પર્ધાની ફાયનલમાં પણ ક્યારેય ન સર્જાયો હોય તેવો અભુતપુર્વ ઉત્સાહ અને રોમાંચ સર્જાયો છે. દુનિયાભરની સેલિબ્રિટિઝ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોંઘેરી મહેમાન તરીકે પધારી છે. આ સંજોગોમાં હાલત એ સર્જાઈ છે કે, અમદાવાદમાં 150 ખાનગી વિમાનોનાં ખડકલા જોવા મળ્યા અને ત્યાં એરપોર્ટનો ટ્રાફિક ચારગણો વધી ગયો. ગોલ્ડન ટિકિટ લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દેશવિદેશથી લોકો પહોંચતાં અહીં એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા ઊભી થઈ.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ ક્રિકેટ વોર જોવા ફિલ્મી અને રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ પહોંચ્યા છે. આ સંજોગોમાં એરપોર્ટ પર ખાનગી વિમાનોથી ઊભરાઈ જતાં પાર્કીંગની સમસ્યા થઈ હતી. ઓથોરિટીએ અન્ય એરપોર્ટ પર ખાનગી વિમાન પાર્ક કરવાની શરતે લેન્ડીંગની છુટ આપવાની નોબત આવી હતી. અમદાવાદ ઉપરાંત સુરત અને મુંબઈ એરપોર્ટનો પણ પાર્કીંગ માટે ઉપયોગ કરવાની ઓથોરિટીને ફરજ પડી.
આટલી મોટી સંખ્યામાં ખાનગી વિમાનો ખડકાયા હોય એવો આ જવલ્લે જ જોવા મળતો પ્રસંગ સાબીત થયો છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ બેંગલોર સહિતના શહેરોમાંથી લોકો ખાનગી વિમાનમાં અમદાવાદ પહોંચ્યા છે.અમદાવાદ સાથે સીધી કનેક્ટીવિટી ન હોય તેવા સેન્ટરોમાંથી પણ ખાનગી લોકોએ સેવા મેળવી છે. આ સ્થિતિમાં સુરત એરપોર્ટ પર ત્રણ અને વડોદરામાં બે વધારાના વિમાનોનું પાર્કિંગ થયું હોવાનું ઓથોરિટી સુત્રો તરફથી જાણવા મળ્યું છે. અમદાવાદનો આ ટ્રાફિક જોઈને સુરતીઓમાં એ ગણગણાટ સ્વાભાવિક જોવા મળ્યો કે, ગુજરાતની આર્થિક પાટનગરી સુરત ક્યારે આવા ટ્રાફિકના દ્રશ્યો જોઈ શકશે.