ભુપેન્દ્ર પટેલની સરકારના આજે 100 દિવસ પૂર્ણ થયા છે. રાજ્ય સરકારે આ દિવસને લોકો માટે યાદગાર બનાવતાં ગુજરાત વિધાનસભાની કાર્યપ્રણાલીથી અવગત કરાવવા ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરુ કરી છે. યુટ્યુબ ચેનલનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો. હવે ટુંક સમયમાં વિધાનસભામાં થતી કામગીરીની વિગતો યુટ્યુબની ચેનલ પરથી લોકો સુધી પહોંચશે. ટેકનોલોજીની દ્રષ્ટિએ હાઇટેક બનતાં ગુજરાત સરકારે ટ્ટીટર, ફેસબુક બાદ હવે યુટ્યુબ પર પણ એન્ટ્રી મારી છે.
ગાંધીનગર સીએમઓ સુત્રોનું કહેવું છે કે, યુટ્યુબની સાથોસાથ આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. ગુજરાત વિધાનસભામાં થતા તમામ પ્રશ્નોત્તરીના ડોક્યુમેન્ટ્સ વેબસાઈટ પર મૂકવામાં આવશે. http://gujaratassembly.gov.in/gujaratindex.html પર જઈને વિધાનસભાની માહિતી મેળવી શકાશે.
યુટ્યુબ ચેનલની વાત કરીએ તો, ગૃહમાં ચાલતી કાર્યવાહીના વીડિયો આ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, જોકે એ લાઇવ નહીં રહેશે. આ ચેનલ પરના વીડિયો સંકલિત અને સેન્સર્ડ રહેશે. ઘણી વખત વિધાનસભામાં ચર્ચા દરમિયાન સભ્યો બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરતાં હોય છે. આવાં શબ્દો વિધાનસભાના અધ્યક્ષ તેમના રેકર્ડ પરથી દૂર કરાવે છે. હવે આ શબ્દો વીડિયો થકી પણ જાહેરમાં પ્રસારિત ન થઈ જાય એ હેતુથી વીડિયોનું સંકલન કરી પબ્લિક ડોમેઇન પર અપલોડ કરવામાં આવશે. વધુમાં સુત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચેનલ માટે એક આકર્ષક લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગો વિધાનસભા સંકુલના કાર્યક્રમોની વીડિયો ક્લિપમાં દેખાશે.
.