પરીક્ષાઓ ખાસ કરીને બોર્ડની પરીક્ષા સામે આવીને ઊભી છે. વર્ષ દરમિયાન જેટલી પણ મહેનત થઈ હોય સ્કૂલ-ટ્યુશન અને વ્યક્તિગત ધોરણે તેને પેપરમાં ઊતારી કેરિયરને દિશા આપવાની આ તક અંગે વિદ્યાર્થી અને વાલીઓ એક સ્તરે ચિંતિત હોય એ થોડું સ્વભાવિકપણ છે પરંતુ એ હાઉં જીવનને નકારાત્મક તરફ દોરીને વણજોઈતી આફત ન નોતરી જાય એવી સભાનતા કેળવવી અતિઆવશ્યક છે. ખાસ કરીને કોવિડ પછીનો આ સમય આરોગ્યની દ્રષ્ટિએ સૌથી મહત્વનો છે. કોવિડ તો ખતમ થઇ ચૂક્યો એમ કહેવું જરાય ખોટું નથી પરંતુ ત્યારબાદ નવા વાયરસના પગપેસારાથી લોકોને બિમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દવાખાનાઓમાં અસામાન્ય ભીડથી લોકો પરેશાન છે.
સુરતની એક જાણિતી હોસ્પિટલ સાથે સંકળાયેલા મેડિકલ ઓફિસર ડો. પ્રિયાંક પટેલનું આ સંવેદનશીલ મુદ્દે કહેવું છે કે, સામે પરીક્ષા હોય અને આવી કોઈ બિમારી ઘર ન કરી જાય એ ધ્યાન રાખવું આ તબક્કે સૌથી મહત્વનું છે. ઠંડી અને ગરમીનો હસ્તાંરત થવાનો સમય એટલે માર્ચ જેમાં બેવડી ઋતુને કારણે તાવ, શરદી, ઝાડા- ઉલટી જેવી અનેક બિમારી એમ પણ સતાવતી હોય છે અને હાલ તો H3N2 જેને સામાન્ય ભાષામાં કહીએ તો ડોક્ટર્સ સ્વાઇન ફ્લૂના અપગ્રેડ વર્ઝન તરીકે ઓળખે છે એવા વાઈરસની ઝપેટમાં લોકો સપડાઇ રહ્યા છે ત્યારે વાલીઓએ અભ્યાસ સાથે આરોગ્ય બાબતે પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે.
ડો. પ્રિયાંક પટેલ વધુમાં કહે છે કે, જેમ જેમ તમે તમારી પરીક્ષાઓ માટે સંપૂર્ણ તૈયારી કરો છો, તેમ ખાતરી કરો કે તમે તમારા પોષક આહાર પણ લઈ રહ્યા છો. વધુ પાંદડાવાળા લીલા શાકભાજી ખાવાથી લઈને તમારા પ્રોટીનની માત્રામાં વધારો કરવા માટે, આ વખતે તમારા પરીક્ષા પ્રદર્શનને સુધારવા હેલ્થ કેટલીક ટીપ્સ-
પરીક્ષા તણાવના શારીરિક લક્ષણો
1- વધુ પડતો પરસેવો આવવો, 2- ઉબકા, ઉલટી અથવા ઝાડા, 3- પેટમાં દુખાવો, 4- હૃદય દરમાં અચાનક વધારો, 5- શ્વાસ લેવામાં તકલીફ થવી, 6- માથાનો દુખાવો, 7- તમ્મર આવી જવા અથવા નબળાઈ અનુભવવી
ઘણીવાર પરીક્ષાની તૈયારી કરતી વખતે બાળકો પોતાનું એક નિશ્ચિત સમયપત્રક નક્કી કરે છે, જેના કારણે તેઓ માત્ર અભ્યાસમાં જ વ્યસ્ત રહે છે. પરંતુ જો તમારે તણાવ વગર પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમારે શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેવું જરૂરી છે. તેથી, પરીક્ષાની તૈયારી કરતી વખતે, પૂરતો સૂર્યપ્રકાશ મેળવવાનો પ્રયાસ કરો અને શારીરિક પ્રવૃત્તિ જેમ કે કસરત, ચાલવું વગેરે કરવાનું ચાલુ રાખો. સ્વાસ્થ્યપ્રદ આહાર પણ લો. ઠંડા પીણા તેમજ બહારનું ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ એ ભલે વેફર્સના પેકેટ કે મમરાં જેવી હળવી વસ્તુઓ પણ કેમ ન હોય.