વર્ષો સુધી કેસ પેન્ડીંગ રહેવાથી કોર્ટ પર આવતા ભારણને ઘટાડવા ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત હાઇકોર્ટે હવે જુના કેસોમાં 57 દિવસમાં તારીખ આપીને સુનાવણી હાથ ધરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજીસ દ્વારા એક અગત્યના નિર્ણયમાં આગામી બે માસમાં જૂના કેસોને ચોક્કસ તારીખ આપીને તેની પર સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ પ્રકારના 13988 કેસ શોધવામાં આવ્યા છે. આ કેસોની આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં આપવામાં આવી છે. આ તમામ કેસોને 5 વર્ષથી ઓછા, 5થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતાં વધુ જૂના કેસ એમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે.
નવી વ્યવસ્થા અનુસાર, હવે દરેક પડતર કેસની આગામી લિસ્ટિંગની તારીખ ફરજિયાતપણે આપવામાં આવશે. જો તારીખ ફાળવવાની રહી જાય તો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ જ ઓટોમેટિક તારીખ ફાળવશે. જૂના કેસોને પ્રાથમિકતા મળે એ માટે ત્રણ ભાગમાં વહેંચવામાં છે. લિસ્ટેડ ન હોય તેવા કેસો જેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તેને બે મહિનાની અંદરની તારીખ ફાળવવામાં આવશે. 5થી 10 વર્ષના સમયગાળાના કેસોને બેથી ચાર મહિનાની અંદરની તારીખ ફાળવણી થશે. જયારે 5 વર્ષ કરતાં ઓછા સમયના કેસોને ચારથી છ મહિનાની તારીખ ફાળવણી કરાશે. કોર્ટે જે કેસોને લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં 10 વર્ષથી વધુ જૂના કેસોને 7 દિવસની અંદરની તારીખ અપાશે, 5થી 10 વર્ષ સુધીના જૂના કેસોને 8થી 14 દિવસની અંદર તારીખ ફાળવાશે. પાંચ વર્ષની અંદરના કેસોને 15થી 21 દિવસની મુદ્દતમાં તારીખ અપાશે.
જે કેસો એકબીજા સાથે સંકળાયેલા હોય તેવા કેસોને સમાન તારીખ અપાશે. મુખ્ય કેસ સાથે વચગાળાની અરજીઓની તારીખ અપાશે. જામીન અને ક્વોશિંગ પિટિશનનું ઓટોલિસ્ટિંગ થાય જ છે. તે સિવાયના કેસ ફાઈલ થયે ચાલુ દિવસોમાં ચોથા દિવસથી સિસ્ટમ જનરેટેડ તારીખ મળશે. કોર્ટના હુકમથી પહેલાં પણ કેસ લિસ્ટ થઈ શકશે.
સ્પેશિયલ બેંચોને સોંપાયેલ કેસ શુક્રવારે નક્કી કરાશે. ‘નોટ બીફોર મી’ કરાયેલ કેસ ન્યાયિક વિભાગને મોકલાશે. જૂના કેસોની તારીખ અંગે સંલગ્ન વકીલોને ઇ-મેઇલથી જાણ કરાશે. હાઇકોર્ટની ઓનલાઈન ઉપલબ્ધ સુવિધાઓમાં કોર્ટ દ્વારા અપાયેલ તારીખ અને સિસ્ટમ જનરેટેડ તારીખ જુદા-જુદા રંગોમાં દર્શાવાશે. નક્કી તારીખથી પહેલાં હિયરિંગ રાખવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સિસ્ટમમાં હસ્તક્ષેપને પરવાનગી નહીં મળે.