અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે.વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આપને જણાવી દઈએ કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. અહીં નડિયાદ નજીકથી પસાર થતી એક કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ કાર અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. જોકે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કારનો કુરચો વળી ગયો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.
પોલીસ તપાસમાં જોડાઈ
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અકસ્માતની તપાસમાં વ્યસ્ત છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયા બાદ જ આ મામલે કંઇક કહી શકાશે. પોલીસે પણ આ અકસ્માત અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
ટેન્કરમાં ખામી સર્જાતાં રોડની સાઈડમાં ઊભું હતું- એસપી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.