ટેકનોલોજીના કારણે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. હવે એક એવી ટેક્નોલોજી આવી ગઈ છે, જેના વિશે જાણીને તમને ખુશીથી આશ્ચર્ય થશે. તમને જણાવી દઈએ કે નેધરલેન્ડમાં એક વ્યક્તિ અકસ્માતને કારણે વિકલાંગ બની ગયો હતો અને તે ચાલવામાં પણ અસમર્થ હતો. હવે વિજ્ઞાનીઓએ Brain Implants ની મદદથી કંઈક એવું અદભૂત કરી બતાવ્યું છે, જેના કારણે તે વિકલાંગ વ્યક્તિ માત્ર પોતાના પગ પર ઊભો જ નથી થઈ શકતો પણ ચાલીને અને સીડીઓ ચડવા પણ સક્ષમ છે!
સ્વિટ્ઝર્લૅન્ડમાં Ecole Polytechnique Federale de Lousanne (EPFL)ના ન્યુરોસાયન્ટિસ્ટોએ વાયરલેસ ડિજિટલ બ્રિજ બનાવ્યો છે જે આપણા મગજ અને કરોડરજ્જુ વચ્ચેના ખોવાઈ ગયેલા જોડાણને પુનઃસ્થાપિત કરી શકે છે.
ડિજિટલ બ્રિજ મગજ અને કરોડરજ્જુ વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કામ કરે છે. કેટલીકવાર કરોડરજ્જુ અથવા મગજમાં ઇજાને કારણે મગજ-કરોડ વચ્ચેનું આ જોડાણ તૂટી જાય છે, જેના કારણે લોકો તેમના પગ પર ઊભા રહેવાની અને ચાલવાની શક્તિ ગુમાવે છે. હવે ડિજિટલ બ્રિજ ટેક્નોલોજીએ ફરીથી આ જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરી છે. આના પરિણામે 12 વર્ષ પહેલા એક મોટરબાઈક અકસ્માતમાં ચાલવાની ક્ષમતા ગુમાવનાર નેધરલેન્ડના 40 વર્ષીય ગેર્ટ જાન ઓસ્કમ ફરીથી ચાલવા સક્ષમ બન્યા છે.
આ ટેકનિક વિકસાવનાર ટીમમાં સામેલ ગ્રેગરી કોર્ટનીએ જણાવ્યું કે અમે મગજ અને કરોડરજ્જુ વચ્ચે વાયરલેસ ઈન્ટરફેસ બનાવ્યું છે. આ માટે બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીની મદદ લેવામાં આવી છે, જેના કારણે આપણા વિચારોને એક્શનમાં બદલી શકાય છે. તેમણે કહ્યું કે, ટેક્નોલોજીની મદદથી મગજ કરોડના એરિયામાં મેસેજ મોકલશે, જે આપણી હિલચાલ માટે જવાબદાર છે, જેથી મનુષ્ય ફરી પોતાના પગ પર ચાલી શકશે.