ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે તા. 25મી મેના રોજ કચ્છ જિલ્લાનાં માંડવી તાલુકાના બિદડા ગામે સંસ્કૃત વર્ગનો પ્રારંભ થયો છે. સંભાષણશાલા નામનાં આ વર્ગમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 55 જેટલાં ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે.
સાત દિવસીય આ સંસ્કૃત વર્ગ વિશે ગુજરાત બ્રેકિંગને વિગતો આપતાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકર રાવલના જણાવ્યા અનુસાર, આ વર્ગની એક વિશેષતા એ છે કે, તેમાં આવાસીય વર્ગમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા બિલ્કુલ નિઃશુલ્ક છે. વિદ્યાર્થીઓ અહીં માત્ર સાત દિવસમાં જ કડકડાટ સંસ્કૃત બોલતા શીખી શકે છે.
આ વર્ગમાં ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન-ગાંધીનગરના પ્રોફેસર ડો. ગોપાલ ઉપાધ્યાય તેમજ અન્ય તજજ્ઞો સેવા આપી રહ્યા છે. આ વર્ગને સફળ બનાવવા વિદ્યાભારતી સંલગ્ન માતૃશ્રી નિર્મળાબેન રવજી છેડા, માધ્યમિક શાળા પરિસરનાં પ્રધાનાચાર્ય કીર્તિભાઈ વડિયા, ટ્રસ્ટી પંકજભાઈ શાહ, વ્યવસ્થાપક હરેશભાઈ હળપાણી તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં નીરવભાઈ જાની સહિતના અનેક સંસ્કૃત ભાષાપ્રેમીઓ ખંતપૂર્વક સેવા આપી રહ્યા છે.