બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષિતા મૂર્તિ રવિવારે વહેલી સવારે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પહોંચ્યા. સંપૂર્ણ ધાર્મિક ભાવના સાથે જોડાઈ શ્રદ્ધાપૂર્વક તેમણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. ઋષિ સુનકે જી-20 સમિટ માટે દિલ્હી પહોંચતાની સાથે જ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ગમે એ રીતે પણ થોડો સમય કાઢીને એમણે મંદિર જવું છે. તેમની આ ઈચ્છાને અનુસરતાં આજે સવારે તેમનો કાફલો અક્ષરધામ મંદિરે પહોંચ્યો હતો. બ્રિટનના પીએમ ઋષિ સુનક અને તેમની પત્નીએ ભક્તિભાવપૂર્વક વિધિવિધાનથી પૂજા કરી હતી. ઋષિ સુનક સતત કહેતા આવ્યા છે કે તેઓ હિન્દુ છે અને પૂજાપાઠમાં તેમને દ્રઢ વિશ્વાસ છે. દિલ્હી પહોંચતાં જ તેમણે મીડિયાને સસ્મિત તેમના કાંડા પર બહેન પાસે બંધાવેલી રાખડી બતાવી હતી.
તમને એ પણ યાદ જ હશે કે, ઋષિ સુનકે અગાઉ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જગવિખ્યાત કથાકાર મોરારી બાપુનો કાર્યક્રમ ઉપસ્થિત રહીને ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. ત્યાં તેમણે ગૌરવભેર એમ પણ કહ્યું હતું કે તેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે. તેમણે મોરારી બાપુને એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ પીએમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર ભગવાન ગણેશની મૂર્તિ તેમના ટેબલ પર રાખવામાં આવી હતી. મોરારી બાપુએ તે સમયે ઋષિ સુનકને ગુજરાતમાં સોમનાથથી લાવેલી ભગવાન શિવની પ્રતિમા ભેટ ધરી હતી.
મીડિયામાં છવાઈ ગયેલા ભારતીય મૂળ ધરાવતાં યુકેના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની પુત્રી છે. સુનક વારંવાર ભારત અને તેની સંસ્કૃતિના વખાણ કરે છે. યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે અક્ષરધામ મંદિરમાં પૂજા કરી ત્યારે મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે તેમની પૂજા ખૂબ લાંબો સમય ચાલી અને જેઓ તેમની સાથે હતા તેઓ કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે પણ અમે તેમને કેવી રીતે રોકી શકીએ? તેમણે ખૂબ જ ધીરજ રાખીને ભક્તિભાવપૂર્વક પૂજાપાઠ કર્યા.
દવેએ કહ્યું કે અમે તેમને અક્ષરધામ મંદિર બતાવ્યું અને એક મોડેલ પણ ભેંટમાં આપ્યું જેથી તેઓ મંદિરનું નિત્ય સ્મરણ કરી શકે. તેમની સાથે તેમની પત્ની પણ હતી જેમને અમે ભેટ પણ આપી હતી. તેઓ બંને સંપૂર્ણ શ્રદ્ધાળુ વ્યક્તિ છે.
ઋષિ સુનક અક્ષરધામ મંદિરમાં લાંબા સમય સુધી રોકાયા હતા. વરસાદ વચ્ચે તે પત્ની સાથે અહીં પહોંચી ગયો હતો. આ દરમિયાન, તેઓ છત્રી સાથે જોવા મળ્યા હતા અને સહેજે છોછ વગર વરસાદથી પોતાને બચાવતા મંદિરની અંદર પ્રવેશ્યા હતા.
અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું હતું કે તેમની આંખો અને કાર્યોમાં જે પ્રેમ અને ભક્તિ છે તે ખરેખર અદભૂત છે. મંદિરમાં પ્રવેશ્યા બાદ ન તો તેઓ એક રાજકીય નેતા હતા કે ન તો એક વડાપ્રધાન. તેઓ એક સાચા હ્રદયથી મંદિરમાં પહોંચેલા પરમ ભક્ત હતા.
બ્રિટનમાં પ્રથમ વખત ભારતીય મૂળના વ્યક્તિએ સરકારનો હવાલો સંભાળ્યો છે. આ પહેલા ક્યારેય કોઈ ભારતીય મૂળના વ્યક્તિએ બ્રિટનના પીએમનું પદ સંભાળ્યું ન હતું. જ્યારે આ જ બ્રિટને ભારતને 200 વર્ષ સુધી ગુલામીની સાંકળોમાં બાંધી રાખ્યું હતું. ઋષિ સુનકની સરકારે બ્રિટન પર નિયંત્રણ મેળવ્યું હોવાને કારણે ભારતમાં પણ ખૂબ જ ઉજવણી થઈ હતી.