સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગ બાબતો તો હોય છે પણ રિઅલ લાઈફમાં પણ જાણે આ વળગણ ઘુસી આવ્યું હોય એમ પ્રેમીઓ સરહદો ઓળંગીને નાસભાગનો રિઅલ ટ્રેન્ડ સર્જી રહ્યા છે. અથવા તો શુક્ર વક્રી થવાથી સીમા બાદ એકપછી એક કિસ્સાઓ લોકોને એવા આઘાત આપી રહ્યા છે. હવે એક તરફ જ્યાં અંજુ અને સીમા હૈદરની સ્ટોરી પહેલાથી જ ચર્ચામાં છે ત્યાં હવે વધુ એક સ્ટોરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. પોલેન્ડની રહેવાસી બાર્બરા અને ઝારખંડના હજારીબાગ જિલ્લાની રહેવાસી શબાદની આ ત્રીજી લવસ્ટોરી છે જે સરહદ ઓળંગીને ચર્ચામાં આવી છે.
બાર્બરા અને શબાદ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર વર્ષ 2021થી વાતચીત શરૂ થઈ હતી. આ પછી બંને લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા. બંને મિત્રો બની ગયા અને ક્યારે પ્રેમમાં પડ્યા તેની ખબર જ ના પડી. હવે બાર્બરા શબાદ સાથે રહેવા ઝારખંડના હજારીબાગમાં રહેવા ગઈ છે. બાર્બરા ઉંમરમાં શબાદ કરતા ઘણી મોટી છે, તેની સાથે તે પોતાની 6 વર્ષની દીકરીને પણ શાબાદના ગામ બાર્ટુઆમાં લઈ આવી છે. બાર્બરા કહે છે કે તે વિઝા લઈને ભારત આવી છે. તે શબાદ સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા માંગે છે.
શબાદ કહે છે કે બાર્બરા તેને ખૂબ પ્રેમ કરે છે અને તે પણ તેને ઘણો પ્રેમ કરે છે. તેણે પોતાનું નામ બાર્બરાની 6 વર્ષની દીકરીને આપી દીધું છે. શાબાદે જણાવ્યું કે જ્યારે બાર્બરા અહીં આવી ત્યારે ગામમાં ગરમીને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અમે ઘરમાં 2 એસી અને એક કલર ટીવી લગાવ્યા. બાર્બરાએ થોડા જ સમયમાં તો આખા ઘરની સંભાળ લીધી. હવે તે ઘરનો કચરો ઉપાડવાથી લઈને ગાયનું છાણ ઉપાડવાનું દરેક કામ કરે છે. શાબાદે જણાવ્યું કે બાર્બરાનું પોલેન્ડમાં પોતાનું ઘર, કાર અને બંગલો છે. તે વિદેશમાં કામ કરે છે અને તે ઈચ્છે છે કે મને કોઈક રીતે વિઝા મળે જેથી તે મને પોલેન્ડ લઈ જઈ શકે અને અમે ત્યાં સાથે રહી શકીએ.
અહીં આ મામલામાં પોલીસનું કહેવું છે કે શબાદના પરિવારમાં તેના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું છે. ચાર ભાઈ-બહેનોમાં શબાદ બીજા ક્રમે આવે છે. તેની બે બહેનો પરિણીત છે. તે બાર્બરાને ખૂબ પસંદ કરે છે. તે બાર્બરા કરતા નાનો હોવા છતાં પણ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. પોલીસે જણાવ્યું કે બાર્બરા વિઝા લઈને થોડા સમય માટે આવી હતી બાદમાં તે પોલેન્ડ પરત જશે.