રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં ભાવનગરના 11 યાત્રાળુંઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા. આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બસ વચ્ચે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે 21 પર હંતારા પાસે સવારે લગભગ 5.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ ગુજરાત બ્રેકિંગ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભરતપુર-આગ્રા હાઈવે પર અચાનક બસમાં ખામી સર્જાઈ હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિતના મુસાફરો રોડ કિનારે ઉભા રહી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથીઓ બસને રિપેર કરી રહ્યા હતા ત્યારે પાછળથી પસાર થઈ રહેલી એક ટ્રકે બસને જોરથી ટક્કર મારી અને નજીકમાં ઉભેલા તમામ મુસાફરોને કચડી નાખ્યા. ટ્રક સાથે અથડાયા બાદ લક્ઝરી બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને હાઈવે પર તમામ જગ્યાએ મૃતદેહો વિખેરાઈ ગયા હતા. જ્યારે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનોએ આ સમગ્ર દ્રશ્ય જોયા તો સૌ કોઈ હેબતાઇ ગયા હતા. બાદમાં એક પછી એક લોકોએ હાઈવે પર પડેલા મૃતદેહોને એકઠા કરીને કિનારે લઈ ગયા.
ભાવનગરથી બસ આવી રહી હતી અને બસમાં સવાર યાત્રિકો મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. ગુજરાતની બસને અકસ્માત નડ્યો હતો. ભાવનગરના કાર્તિક ટ્રાવેલર્સની આ બસ હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ હાઈવે નંબર 21 પર ભીષણ અકસ્માતમાં 11નાં મોત નિપજ્યા છે. વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. બસ ગુજરાતના ભાવનગરથી નીકળીને જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી
મૃતકોમાં- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી, નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી, લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ. અંબાબેન જીણાભાઈ, કંબુબેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ દાગી, અંજુબેન થાપાભાઈ, મધુબેન લાલજીભાઈ ચૂડાસમાનો સમાવેશ થાય છે.
રાહદારીઓએ ઘટનાની જાણ કરતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યા. હાલ અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. પોલીસ બસને ટક્કર મારનાર ટ્રકની તલાશ કરી રહી છે.
દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની ખાનગી પ્રવાસી બસને નડેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય એવી પણ મુખ્યમંત્રી પટેલે પ્રાર્થના કરી છે.