ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પરથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા હતા. શનિવારે મોડી સાંજે અહીં ચારધામ યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસને કૌડિયાલા પાસે અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થતી ટળી ગઈ છે. બસમાં સવાર તમામ યાત્રાળુંઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે તેમાંથી 6 ગંભીર ઈજાગ્રસ્તોને હાયર સેન્ટર ઋષિકેશ એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે.
અમદાવાદથી યાત્રાળુઓને લઈને એક બસ શ્રીનગરથી ઋષિકેશ જઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવી જ બસ તહસીલ પાવકી દેવી કૌડિયાલા પાસે પહોંચી, તે સમયે અચાનક રસ્તા પર પલટી ગઈ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે સ્થળ પર ચીસાચીસ જોવા મળી હતી.
સદનસીબ છે કે ડુંગર તરફના રોડ પર બસ પલટી ગઈ, જો અકસ્માત વિરુદ્ધ દિશામાં થયો હોત તો બસ ખાઈમાં પડી હોત, તોઅકસ્માતનું પરિણામ ખૂબ જ ભયાનક હોત જેની કલ્પનામાત્ર બસમાં સવાર લોકોને ધ્રુજાવી રહી છે.