એક અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાના પ્રકરણમાં ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસે આરોપીઓને પકડવામાં લોકોની મદદ માંગતા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. પશ્ચિમ સિડનીના રોઝહિલ ઉપનગરમાં સ્વામિનારાયણ મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 મેના રોજ, માળખાની આગળની દિવાલ પર અનિચ્છનીય ભીંતચિત્રણો જોવા મળી હતી અને તેના દરવાજા પર ‘ખાલિસ્તાન ધ્વજ’ લટકતો હતો.ગયા અઠવાડિયે રોઝહિલમાં મંદિરની તોડફોડની તપાસ કરી રહેલા ડિટેક્ટિવ્સને આશા છે કે છબીઓ રિલીઝ થવાથી લોકો તરફથી મદદ મળશે.
પોલીસને અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ઘટના તા. 5 મે શુક્રવારે મધરાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી.આ જાણકારીના આધારે, ડિટેક્ટિવ્સે વર્જિનિયા સ્ટ્રીટ પર જેમ્સ રુસ ડ્રાઇવ, રોઝહિલ તરફ, શુક્રવારની મળસ્કે મુસાફરી કરતા છેલ્લે જોવા મળેલા વાહનની છબી પ્રકાશિત કરી છે. તેઓ માને છે કે વાહનમાં બેઠેલા લોકો પાસે એવી માહિતી હોઈ શકે છે જે તપાસકર્તાઓને મદદ કરી શકે. બીજી તસવીર એક વ્યક્તિની છે જે લગભગ તે જ સમયે મંદિરની નજીકમાં હોવાનું નોંધવામાં આવ્યું છે. જે વ્યક્તિનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે ડાર્ક કપડાં પહેરેલા છે, ડાર્ક બીની અને ફેસ માસ્ક પહેરેલો છે. એ હજી તપાસનો વિષય છે કે, દર્શાવવામાં આવેલ વ્યક્તિનું અન્ય છબીમાં દર્શાવવામાં આવેલ વાહન સાથે કોઈ જોડાણ છે કે કેમ.
કમ્બરલેન્ડ કમાન્ડર, સુપરિન્ટેન્ડેન્ટ શેરિડન વાલ્ડાઉએ જણાવ્યું હતું કે તેણીને આશા છે કે સમુદાય પાસે એવી માહિતી હશે જે તપાસકર્તાઓને વ્યક્તિ અથવા કારને ઓળખવામાં મદદ કરી શકે. “અમે એ પણ આશા રાખીએ છીએ કે તે વ્યક્તિ, અથવા કારમાં સવાર લોકો, ડિટેક્ટીવ્સનો સંપર્ક કરશે કારણ કે અમે માનીએ છીએ કે તેમની પાસે તપાસ માટે મહત્વપૂર્ણ માહિતી હોઈ શકે છે,” વાલ્ડાઉએ જણાવ્યું હતું.
“પોલીસ માહિતી પ્રદાન કરવા માટે સ્થાનિક સમુદાયના સમર્થન પર આધાર રાખે છે જેથી તેની ઠોસ તપાસ કરી શકાય, પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે પ્રદાન કરેલી માહિતી અંગે ગાઢ વિશ્વાસ સાથે વ્યવહાર કરવામાં આવશે,” તેણીએ કહ્યું.