પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા માછીમારોનો એક જથ્થો વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા આવી પહોંચતા અહીં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે. લગભગ ચારેક વર્ષના નર્કાગારની યાતનાભર્યા દિવસો વિતાવ્યા બાદ સરકારના સફળ રાજદ્વારી પ્રયાસોને કારણે આ માછીમારો તેમના ઘર-પરિવાર સમક્ષ થશે. વડોદરામાં ટ્રેનથી પહોંચ્યા ત્યારે માછીમારોનું સ્વાગત મંત્રી રાઘવજી પટેલ અને અન્ય આગેવાનોએ કર્યું હતું. અહીં એ પણ જણાવવું સૂચક છે કે, આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આરબ સાગરની સીમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાનની સુરક્ષા ટુકડીઓ પકડી લે છે અને તેમના પર આરોપો ઘડીને કરાંચી સ્થિત લાટી જેલમાં પુરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં પુરવામાં આવતાં માછીમારોને છોડાવવા દર વર્ષે જ રાજદ્વારી પ્રયાસો થતાં હોય છે અને બંને પક્ષે એ લોકોને છોડવાની પ્રક્રીયા હાથ ધરાય છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયત્નોથી પાકિસ્તાન સરકારે થોડા સમય અગાઉ 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની જેલમાંથી છૂટેલાઓમાં ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2 માછીમારોનો સમાવેશ થાય છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો, 184 વ્યક્તિમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના 5 માછીમારોને પાકિસ્તાનના નર્કાગારમાંથી છૂટકારો મળ્યો છે.
નોંધનીય છે કે, પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. છૂટીને જ્યારે આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેઓનું હેલ્થ ચેકઅપ સાથે વેરિફિકેશન થાય છે.
આજે સવારે જ્યારે ટ્રેનથી આ માછીમારો અમૃતસરથી વડોદરા પહોંચ્યા હતા. સરકારે અહીં લાવવા તેમના માટે ખાસ બે રેલવે કોચની વ્યવસ્થા કરી હતી. આજે વહેલી સવારે પહોંચેલા માછીમારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગંતવ્ય સ્થાનો માટે રવાના કરવામાં આવ્યા હતા.