સુરત જ નહીં વડોદરા, અમદાવાદ, મુંબઈ, નાગપુર હોય કે પૂણે જેવા મોટાભાગના શહેરોની ફેમિલી કોર્ટમાં લગભગ બે વર્ષમાં દંપતી વચ્ચે નાની-મોટી બાબતો પર ઝઘડાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેને સાંભળીને હેરાન થઈ જવાય એમ છે. નાના-નાના ઝઘડાને કારણે મામલા છૂટાછેડા સુધી પહોંચી જાય છે. નવા પ્રકારની ફરિયાદો કંઈક એવી છે કે, પત્નીઓ વિચાર્યા વગર આડેધડ ઓનલાઈન ખરીદી કરે છે. એટલું જ પૂરતું નથી, તેઓ એક સમયે એક પ્રોડક્ટથી ક્યારેય ખુશ નથી હોતી. ઉત્પાદન આવ્યા પછી, તેઓ તેમાં કોઈને કોઈ ખામીઓ શોધી જ કાઢે છે અને તેને રિપ્લેસ માટે મોકલે છે. બીજા બધા કામ છોડીને પરણિતાઓ દિવસના ઘણા કલાકો આમાં જ વ્યસ્ત રહે છે. અવારનવાર કુરિયરવાળા છોકરાઓ ઘરે આવીને પરેશાન થઈ જાય છે, તેથી હવે પત્ની સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
હકીકતમાં પાલ-હજીરા રોડ પર એક કિસ્સામાં પત્નીની અવિચારી અને આડેધડ શોપિંગ કરવાની આદતને કારણે દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને એ બાબતે જ પતિએ છૂટાછેડા લેવાનું નક્કી પણ કરી લીધું.જો કે, કાઉન્સેલિંગ દ્વારા બંનેનું સમાધાન થઈ ગયું છે.હવે આ દંપતી સાથે રહેવા માટે તૈયાર છે.
એક અન્ય કેસમાં સરકારી નોકરીમાં ત્રીજા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા પતિએ જણાવ્યું કે, પત્નીને શોપિંગની એવી ખોટી આદત પડી ચૂકી છે કે તેની પુત્રી માત્ર અઢી વર્ષની છે, પરંતુ પત્નીએ પણ એવી વસ્તુઓ ખરીદી છે જે પાંચ વર્ષ પછી ઉપયોગી થશે. અને રમકડાં વગેરે ચાર વર્ષ સુધીના બાળકોના હિસાબે ખરીદ્યા અને રાખ્યા. પત્નીએ આદત બદલવાની વાત કરી, પરંતુ હવે આ કિસ્સામાં પતિ સમાધાન માટે તૈયાર નથી.
એક કંપનીમાં HR તરીકે કામ કરતા અને ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા પતિએ જણાવ્યું કે તેનું ઘર બિનજરૂરી વસ્તુઓથી ભરેલું છે. આ સામાન રાખવા માટે પત્ની અલગથી શોપિંગ પણ કરે છે. લગ્નને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ તે તેની ઉડાઉપણાની આદતથી કંટાળી ગયો છે.તેના પગારનો અડધો ભાગ શોપિંગમાં ખર્ચી નાખે છે.
પાલનપુર પાટીયા રામનગરના રહેવાસી પતિએ જણાવ્યું કે તેની પત્નીના ઓનલાઈન શોપિંગ પર અંકુશ લગાવવા માટે તેણે ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ બંધ કરી દીધો હતો જેના પર અમુક અંશે અંકુશ આવ્યો હતો, પરંતુ હવે પત્ની સસ્તો લાગતો સામાન ખરીદે છે. આમાંથી 60 ટકા વસ્તુઓ તેમના માટે કોઈ કામની નથી. પત્નીને સમજાવવા પતિએ નાછૂટકે કાઉન્સેલરની મદદ લીધી.
અલથાણ-કેનાલ રોડ પર એક આલીશાન હાઇરાઈઝમાં રહેતા રહેવાસી પતિની ફરિ્યાદ પણ સાંભળવા જેવી છે તેણે ગુજરાત બ્રેકિંગ સમક્ષ પોતાની આપવિતી રજૂ કરતાં કહ્યું કે તેની પત્નીને કોવિડ દરમિયાન રસોઈ બનાવવાની લત લાગી ગઈ હતી. આ કારણે તેમનું ઘર એર ફ્રાયર, માઈક્રોવેવ, વિવિધ પ્રકારના ડિનર સેટ પોટ્સ અને બીજી ઘણી વસ્તુઓથી ભરેલું છે. અગાઉ પત્ની સાદો ખોરાક સારી રીતે રાંધતી હતી. હવે આ નવા પ્રયોગને કારણે પરિવારને મોટેભાગે બેસ્વાદ ખોરાક ખાવા મળે છે જેનાથી ઘરના ભોજનનું સુખ જ જાણે હણાઈ ચૂક્યું છે.