દક્ષિણ ગુજરાતની બે મુખ્ય નદીઓમાં બે દિવસ અચાનક ઉપરવાસના સંજોગોને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં સોમવાર સાંજથી રાહત લાવી છે. પ્રથમ વાત કરીએ સુરતની તો, ઉકાઈ ડેમમાં આવક ઘટીને 75283 બપોરે 12 કલાકની સ્થિતિ મુજબ તો આવક ઘટવાને પગલે પાણી છોડવાનું પ્રમાણ પણ ઘટાડીને 92744 ક્યૂસેક કરવામાં આવ્યું છે. તાપી નદીમાં મંગળવાર સવારથી પાણી ઓછા થતાં જોવા મળ્યા છે.
એ જ પ્રમાણે બે દિવસ ઐતિહાસિક તારાજી સર્જયા બાદ નર્મદા કાંઠાના લોકો માટે પણ મંગળવારની સવાર રાહત લઈને આવી છે. ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. ગોલ્ડનબ્રિજ ખાતે સવારે 7 વાગે જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે આવી પહોંચ્યું છે. નર્મદા ડેમની સપાટી 138.63 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાંથી 1 લાખ 58 હજાર 352 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા છે. જોકે, ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીથી હજીપણ 3.97 ફૂટ ઉપર છે. જોકે, બે દિવસથી સમગ્ર રાજ્યભરમાં વરસાદે જોર પકડી લીધું છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે મન મુકીને મહેર લાવતાં લોકો ખુશખુશાલ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે જબરદસ્ત જોર પકડ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતાં અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 33 જિલ્લાઓના 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ઝીંકાયો છે. ભારેથી અતિભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓનું ધોવાણ થયું છે. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોડંગાયો છે.
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ રૂમના સાધનોએ આજે સવાર સુધીની સ્થિતિ અંગે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, વરસાદને પગલે રાજ્યમાં 177 રસ્તાઓ બંધ છે. બંધ રસ્તાઓમાં 3 નેશનલ અને 14 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ ભરુચ જિલ્લામાં 69 માર્ગો બંધ છે. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાને કારણે નર્મદામાં પાણીની આવક ક્રમશઃ ઝડપભેર ઘટી રહી છે ત્યારે તંત્ર સ્ફૂર્તિ બતાવી ઝડપભેર આ વિસ્તારનું જનજીવન સામાન્ય કરે તેના પર લોકોની નજર છે.
રાજ્યભરમાં નોંધાયેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાને કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરાવવાની પણ તંત્રને ફરજ પડી છે. તંત્રની સત્તાવાર આંકડાકીય વિગતો મુજબ, નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદમાંથી કુલ 12444 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે.
હવામાન વિભાગના વર્તારા અનુસાર હજી આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં સાવધાની રાખવાની સલાહ લોકોને આપવામાં આવી છે. જરૂરી કામ વગર બહાર ન જવાની તાકીદ પણ આ સાથે થઈ છે.