ખટોદરામાં મોબાઈલ ઝૂંટવીને ભાગતા બે પૈકી એકને લોકોએ ઝડપી બરાબરનો મેથીપાક આપવા સાથે રોષ ઊતાર્યો છે. જોકે, આરોપી આ વચ્ચે નાસી છૂટવામાં સફળ રહ્યો છે. હવે આરોપીઓને પોલીસ શોધશે. લોકોમાં છાશવારે બનતી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓથી એ હદે આક્રોશ છે કે, આજે જ્યારે એક આરોપી ઝડપાયો તો ગુસ્સે ભરાયેલા ટોળાએ તેની બાઈકને સળગાવી આગને હવાલે કરી દીધી હતી. પોલીસ વિવિધ સાધનસરંજામની મદદથી હાઇટેક બની રહી હોવાના દાવાઓ વચ્ચે હજીપણ એ જ સમય ચાલી રહ્યો છે કે અસામાજિકો સાથે ન્યાય ટોળાએ જ કંટાળીને કરવો પડી રહ્યો છે એ કમનસીબી છે. ઓવરસ્પીડ ગાડી હંકારતા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે કેમકે મોટેભાગે સ્પીડ નિયમનનો ભંગ એવા ગુનાહિત તત્વો જ કરતાં હોય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં મોબાઈલ કે ચેઈન સ્નેચિંગ કરતાં અસામાજિકો માઝા મૂકી રહ્યા છે. બેફામ રીતે વાહનો હંકારી પળભરમાં લોકોને ક્યારેક તો શારીરિક નુકશાન પહોંચે એ રીતે તેમના શરીર પરથી ચેઈન કે મોબાઈલ ઝૂંટવી નાસી છૂટે છે. ખટોદરા વિસ્તારમાં આ રીતે જ એક એક બાઈક પર સવાર બે ગુનેગારોને આ હરકત જોકે ભારે પડી હતી. બન્યું એવું કે, રાહદારીના હાથમાંથી બાઈક સવાર બે બદમાશો મોબાઈલ છીનવીને ભાગી રહ્યા હતા એ દરમિયાન, એક બદમાશનું બેલેન્સ ન રહેતાં એ ગાડી પરથી ગબડી પડ્યો હતો. લોકોને તો બીજું જોઈએ જ શું. બદમાશ હાથે ચડતાં જ લોકોનો ગુસ્સો સ્વભાવિકપણે સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોકે, તેની સાથેનો બીજો બદમાશ ટોળાના હાથમાંથી બચી જતાં છટકવામાં સફળ પણ રહ્યો હતો.
ટોળાએ હાથ લાગેલા બદમાશ પર આ ત્રાસનો ગુસ્સો ઊતારતાં તેને જ બરાબરનો મેથીપાક આપ્યો હતો. વધતી જતી ચીલઝડપની ઘટના વચ્ચે ગુસ્સો આટલેથી અટકે એમ હતો નહીં ત્યારે જે ધમાચકડી ચાલી એ વચ્ચે ગુનામાં વપરાયેલું પણ ફંગોળાયેલું હોવાથી એ પણ લોકોના ગુસ્સાનું ભોગ બન્યું અને લોકોએ તેને આગને હવાલે કરતાં સહેજે વિલંબ કર્યો ન હતો. હવે ખટોદરા પોલીસ મોબાઈલ સ્નેચરોની તપાસમાં જોડાઈ છે.