રસ્તા બ્રિજ જેવા જાહેર બાંધકામો માટે લોકો મહિનાઓ સુધી હાલાકી વેઠે છે કે શહેરમાં કંઈક સુખાકારી મળી રહી છે પરંતુ એ સુખાકારીનું આયુષ્ય સાવ નજીવું હોય છે. માત્ર ભ્રષ્ટાચારથી તૈયાર થતાં બાંધકામો 6-8 મહિનામાં તો જવાબ આપવા માંડે ત્યારે સુરતીઓના પૈસાનો બેહદ વેડફાટ જોવાવાળું કોઈ નથી. પ્રથમ વરસાદમાં શહેરના સંખ્યાબંધ માર્ગોની જે હાલત થઈ છે તેમાં કોડીની પણ ગુણવત્તા જળવાઈ નથી.
સૌથી ચોંકાવનારી ઘટના તો વરિયાવ બ્રિજ થકી આજે સામે આવી છે જે લાખો શહેરીજનોનું માથું શરમથી ઝુકાવી દે એ એમ છે કે આ કેવા સ્માર્ટ સિટી માટે આપણા ખિસ્સાઓ ખાલી થઈ રહ્યા છે. હકીકતમાં, વરિયાવ બ્રિજને ખુલ્લો મુકવાને હજી તો એક મહિનો જ થયો છે ત્યાં આ બ્રિજનો એક ભાગ બેસી જવાની ઘટના સામે આવી છે. લોકો આવી રેઢીયાળ કામગીરી બાબતે હવે ધીરજ ગુમાવી રહ્યા છે.
શહેરમાં મંગળવારથી વિધિવત્ ચોમાસાએ દસ્તક આપતાં રાતથી પ્રથમ તબક્કાની બેટિંગ શરૂ જ કરી હજી તો ત્યાં ઠેરઠેર પાણીના ભરાવાઓ અને રસ્તાઓ તૂટી જવાની ઘટનાથી લોકો માટે બુધવાર આફત બનીને આવ્યો છે. આ બધું ઓછું હોય એમ વેડ-વરિયાવ બ્રિજ બેસી જવાની ઘટનાથી લોકો સ્તબ્ધ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજની ક્વોલિટી કેવી છે તેની પોલ પ્રથમ વરસાદમાં ખુલી જતાં હવે બ્રિજ સેલને પરસેવો વળવા લાગ્યો છે. ભ્રષ્ટાચારના દેખીતા નમૂનારૂપ આ ઘટનાથી શહેરીજનો અકળાયા પણ છે.
આ બ્રિજ સાથે જ આવું થયું છે એમ નથી હકીકતમાં તો ગુણવત્તા બાબતે તંત્ર કેટલું સભાન છે તેની ચાડી શહેરના મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ પણ પ્રથમ વરસાદથી જ ખાઈ રહ્યા છે. સુરતમાં ઘણાં રસ્તાઓ અને સર્વિસ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. સવારે જ્યારે વરસતા વરસાદમાં લોકો કામ પર નીકળ્યા ત્યારે ગંતવ્ય સ્થાન સુધી પહોંચતા લોકોનો દમ નીકળી ગયો હતો. હદ તો ત્યાં થઈ કે, સુરત શહેરમાં ભારે વરસાદના કારણે બે અલગ-અલગ જગ્યાએ રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી છે.
પ્રથમ ઘટનામાં સારોલી સ્થિત સર્વિસ રોડ પર રોડ બેસી ગયો હતો, જેને લઈને ત્યાં એક ટ્રક અને ફોરવ્હીલર ફસાઈ ગયા હતા. બીજી એક ઘટનામાં પાંડેસરા ખાતે પણ રોડ બેસી જતા એક ટેમ્પો ફસાઈ ગયો હતો. તંત્રની આવી અત્યંત નબળી કક્ષાની કામગીરી શહેરમાં નાગરિકોનો ભોગ લેવા બેઠી હોય તેવો આક્રોશ આજે વાહનચાલકોમાં ઠેરઠેર વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે. તંત્ર હવે સાંધવા તો બેસશે પરંતુ તેની ગુણવત્તા ચકાસવામાં ગંભીરતા દાખવશે કે ફરી બે-ચાર મહિનામાં ગાબડા જ પ્રજાએ જોવાના રહેશે એ નક્કી નથી.