અમદાવાદના ઇસ્કોન બ્રિજની દુર્ઘટના બાદ તાજેતરમાં જ શહેરના કાપોદ્રા ખાતે બીઆરટીએસ રૂટમાં બેફામ દોડી આવેલી કારે 6 બાઇકસવારોને અડફેટે લીધાં હતાં. ડ્રિંક એન્ડ ડ્રાઇવની આ ઘટનાને પગલે રાજ્યભરમાં વાહન ચેકિંગ તથા ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરાવી છે. એક ઘટના બને એટલે એ પુરતું જ ધ્યાન આપવું એ ક્યાંનો ન્યાય તંત્ર તોળી રહી છે એ લોકોમાં ચર્ચાનો વિષય છે કેમકે એટલા જ જોખમી અનેક કારનામાઓ પ્રજા નરી આંખે જોઈને સહન કરી રહી છે પરંતુ તંત્રને હાલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જ પક્ષીવિંધના પ્રસંગની જેમ દેખાય છે એટલે બીજું બધું જાણે માફ છે.
વાત ફરી એકવખત બીઆરટીએસ રૂટ પરની લાપરવાહી અંગે… પાલિકાના સિટીલિંક વિભાગે પણ બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના જોખમી પ્રવેશ સામે કાર્યવાહીની રણનીતિ નક્કી કરી છે. વારંવાર કહેવાય છે કે રૂટમાં પ્રવેશતા વાહન ચાલકો સામે જાહેરનામાના ઉલ્લંઘન બદલ FIR સુધીની કાર્યવાહી કરાશે. જોકે આ તમામ બાબતો વચ્ચે અમલીકરણના નામે એ શુન્ય અથવા હેગામી જ સાબિત થાય છે. અસરકારક કામગીરી ન હોવાથી આ રૂટમાં અકસ્માત બાદ પણ ખાનગી વાહનો બેફામ દોડી રહ્યાં છે.
વાહનો બીઆરટીએસ રૂટમાં ઘુસે છે એટલું જ નહીં આ તંત્રની ઢીલાશને કારણે હવે હાલત એ થઈ છે કે, ખાનગી વાહનોની સાથે હવે તો વરાછાના હીરા બાગ સ્થિત BRTS રૂટમાં સાંજ પડતાં પાણી પુરી અને સોડાની લારી પણ ગોઠવાઇ રહી છે. લોકો પણ એ લારીઓ પર બાઇક પાર્ક કરી અવરોધ ઊભો કરવામાં સહેજે અસહજતા કે શરમ નથી અનુભવી રહ્યા.
રાત્રે રૂટમાં બસ જ દોડી શકે તે માટે કરાયેલાં બેરીકેડીંગથી સુમસામ માર્ગ ઘરવિહોણાં લોકોનું આશ્રયસ્થાન બની જાય છે. અહીં આશ્રય લેતાં લોકો નશાની હાલતમાં ગમેતેમ રોડ પર લવારાંઓ કરતાં સુઇ જાય છે. રાત્રે જ આવું થાય છે એમ નથી, પીક અવર્સમાં વરાછા રોડ પર વાહનોના ધસારાના લીધે નોકરી સ્થળે પહોંચવા માટે ચાલકો BRTS રૂટમાં ગેરકાયદે પ્રવેશ મેળવી સાહસ કરે છે. કેટલીક વખત આ ઉતાવળ જોખમી બને છે. પાલિકા તંત્રને આ બધું ક્યારે દેખાશે એ જોવું રહ્યું,