અમદાવાદથી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. અમદાવાદમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ જોવા આવેલી ઉર્વશી રૌતેલાએ હવે પોતાનો ફોન ચોરાઈ જવાની માહિતી લોકો સમક્ષ શેર કરીને તેનો આઈફોન શોધી આપવા માટે મદદ માંગી છે. રૌતેલાએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો ફોન ખોવાઈ ગયો. ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા પાસે 24 કેરેટ રિઅલ ગોલ્ડનો આઇફોન હતો.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો આઈફોન ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર આ વિશે ટ્વિટ કર્યું છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેનો આઇફોન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયો છે. તેણે અમદાવાદ પોલીસને ટેગ કરી અને તેનો ફોન ટ્રેસ કરવામાં મદદ કરી શકે તેવા કોઈપણને ટેગ કરવામાં મદદ માટે અપીલ કરી. અભિનેત્રીની પોસ્ટના જવાબમાં અમદાવાદ પોલીસે iPhoneની વિગતો માંગી છે, જેથી તે ફોનની શોધ શરૂ કરી શકાય.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો ફોન પણ ખોવાઈ ગયો હતો. આ પહેલા આઈપીએલ મેચ દરમિયાન લગભગ 100 આઈફોન ચોરોના નિશાન બન્યા હતા.