વિવાદનું બીજું નામ બની ચૂકેલા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ગુજરાતમાં ‘પઠાણ’ રિલીઝ થાય તે પહેલા જ તેના પર ધૃણા વરસાવાઈ રહી છે. અમદાવાદના એક મોલમાં ફિલ્મના પ્રમોશન બાબતે હંગામો મચી ગયો છે. બજરંગ દળના કાર્યકરો મોલમાં ધસી આવ્યા હતા અને થિયેટરમાં તોડફોડ કરી.
બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદના આલ્ફાવન મોલમાં પહોંચીને ફિલ્મ ‘પઠાણ’નો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે શાહરૂખ ખાનના પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા. મોલની અંદર ઘૂસેલા બજરંગ દળના કાર્યકરો શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મને લઈને ખૂબ આક્રોશિત હતા. કાર્યકર્તાઓ મોલની અંદર ‘પઠાણ’ના પોસ્ટરો ફાડતા અને તોડતા જોવા મળ્યા હતા. વિરોધ પ્રદર્શનની સાથે બજરંગ દળના કાર્યકર્તાઓએ ‘પઠાણ’ને રિલીઝ ન કરવાની ચેતવણી પણ આપી છે.
બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતા કહે છે, ‘અમે દીપિકા પાદુકોણે પહેરેલા કપડાંનો વિરોધ કરીએ છીએ. ફિલ્મ ‘પઠાણ’ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. એટલા માટે અમે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ. 12 ડિસેમ્બરે ફિલ્મ ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ ગીતમાં દીપિકા પાદુકોણની ‘ભગવા બિકીની’ને લઈને વિવાદ ઊભો થયો છે. ઘણી સંસ્થાઓ કહે છે કે ‘ભગવો’ રંગ આસ્થાનું પ્રતિક છે. દીપિકા પાદુકોણે ‘ભગવા રંગની બિકીની’ પહેરીને આસ્થાનું અપમાન કર્યું છે.
‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદથી ‘પઠાણ’ને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે, તાજેતરમાં સેન્સર બોર્ડે ફિલ્મ ‘પઠાણ’માં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. ‘પઠાણ’ વિશે સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું કે સેન્સર બોર્ડ હંમેશા સર્જનાત્મકતા અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. એટલા માટે ‘પઠાણ’માં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.