ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા. ર૦ થી ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એકસ્પો– ર૦રર’નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એકસ્પો– ર૦રર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શનિવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનો ઉદ્ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા.
કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશમાં ર૦ કરોડ રાષ્ટ્રધ્વજ ફરકયા હતા. જેમાંથી ૭.પ કરોડ ધ્વજ સુરતે બનાવી તિરંગાની શાન વધારી છે. હવે ઉદ્યોગોએ આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે અને તેની પહેલ પણ સુરતે જ કરવાની છે. ગ્લોબલ માર્કેટને કેપ્ચર કરવા માટે એમએમએફને સપોર્ટ કરવો પડશે. આથી કેન્દ્ર સરકારે એમએમએફને સપોર્ટ કરતી સ્કીમ બહાર પાડી છે. સરકાર હવે પીએલઆઇ– ર માટે પ્રયાસ કરી રહી છે.
આ ઉપરાંત ટફના કલેઇમ કરવા ટેકસટાઇલ મંત્રાલય પ્રયાસ કરી રહયું છે. એક જ જગ્યાએ કમ્પોઝીટ યુનિટો આવે તેના માટે સરકાર પીએમ મિત્રા પાર્ક સ્કીમ લાવી છે અને તેના અંતર્ગત ગુજરાત અને કર્ણાટક સરકારે બજેટ પણ ફાળવી દીધું છે. હવે સરકાર કોકુનમાંથી સિલ્ક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. એમએમએફ, ટેકનિકલ ટેકસટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ માટેની ઇન્ડસ્ટ્રી ગ્રો થવાની છે ત્યારે હેન્ડલુમ હેન્ડીક્રાફટમાં ટેકનિકલ સપોર્ટ આપી આ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવાનો છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાંથી થતા કુલ ટેકસટાઇલ એકસપોર્ટમાં ૯પ % હિસ્સો કોટન બેઇઝ પ્રોડકટનો છે અને તેથી વિશ્વ બજારને આકર્ષવા નવી પ્રોડકટ બનાવવી પડશે. નવી પ્રોડકટ માટે જે કંઈ પણ યાર્નની જરૂરિયાત ઉભી થશે તે આજના એકઝીબીશનમાંથી ઉત્પાદકોને મળી રહેશે. ટેકનિકલ ટેકસટાઇલના સ્પેશ્યાલિટી યાર્ન કે જે હાલમાં ઈમ્પોર્ટ કરવું પડે છે તેનું ભારતમાં ઉત્પાદન કરવું જોઈએ. હાઇ ટેનાસીટી પોલીએસ્ટર યાર્ન કે જે ભારતમાં બનતું નથી અને જેનો ઉપયોગ ટેકનિકલ ટેકસટાઇલમાં થાય છે જેનું અંદાજે પ બિલિયન અમેરિકન ડોલર જેટલું ટેકનિકલ ટેકસટાઈલમાં વપરાતું યાર્ન ભારતમાં ઈમ્પોર્ટ થાય છે તેનું ઉત્પાદન કરવા તેમણે કંપનીઓને અનુરોધ કર્યો હતો.
ટફ સ્કીમનો ભારતના ટેકસટાઇલ ઉદ્યોગના વિકાસમાં સિંહફાળો છે. ભારત સરકાર દ્વારા આજદિન સુધી રૂપિયા ૧૦,૦૦૦ કરોડ જેટલું ઇન્સેન્ટીવ ટફ સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યું છે. જેના થકી છેલ્લાં ર૦ વર્ષોમાં રૂપિયા ૩ લાખ કરોડનું રોકાણ આ ક્ષેત્રમાં આવ્યું છે. છેલ્લાં બે દાયકામાં ટેકસટાઇલ ક્ષેત્રે જે કંઈપણ રોકાણ આવ્યું છે તેમાંથી ૮પ % જેટલું રોકાણ આ ટફ સ્કીમને આભારી છે. આના માટે સમગ્ર ટેકસટાઇલ ઉદ્યોગ જગત ભારત સરકારનો આભાર માને છે. આવી ટફ સ્કીમ જ્યારે એકસ્પાયર થઇ ગઇ છે ત્યારે નવી સ્કીમમાં એમએસએમઇને અન્યાય ન થાય તથા આખી ટેકસટાઇલ વેલ્યુ ચેઈનમાં જોબવર્ક કરનાર એકમોનો પપ થી ૬૦% જેટલો ફાળો હોવાથી આવા એકમો પણ નવી ઇન્સેન્ટીવ સ્કીમમાંથી બાકાત ન રહી જાય અને નવી સ્કીમ ટફ આધારિત હોય તે માટે તેમણે ટેકસટાઇલ મંત્રી દર્શનાબેનને વિનંતી કરી હતી.
મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરત માત્ર કાપડ નથી વણતું પણ દેશની સંસ્કૃતિ, એકતા અને પહેચાનને પણ વણે છે. આઝાદી કી અમૃત મહોત્સવની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશમાં સુરત અલગ રીતે તરી આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે યાર્ન ઉત્પાદકોને તથા સુરતના વેપારીઓને ચેમ્બરના જીએફઆરઆરસીની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહયું હતું કે, હાલ વેસ્ટ પ્લાસ્ટીકમાંથી દાણા બને છે પણ તેમાંથી ફેબ્રિક બને તો હજી સારું થઇ શકે છે. જેનાથી સુરત મહાનગરપાલિકાનો વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત પ્રશ્નનું નિરાકરણ થશે.
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે ચાઇના, ભારત, અમેરિકા અને પાકિસ્તાન અનુક્રમે ર૮૪, રર૬, ૧પ૮ અને ૧૧પ મેટ્રિક ટન યાર્ન બનાવે છે. સુરતના યાર્ન ઉત્પાદકો ધારે તો ભારતમાં ૩૦૦ મિલિયન મેટ્રિક ટન યાર્ન આસાનીથી બની જશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ક્ષેત્રે હવે ગારમેન્ટીંગ કેપેસિટી વધારવાની છે. વડાપ્રધાન દ્વારા ફાયબર ટુ ફેશન માટે જે સપનું જોયું છે તેને સાર્થક કરવાની દિશામાં ઉદ્યોગે પ્રયાસ કરવાનો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથે જણાવ્યું હતું કે, ચાઇના પ્લસ વનનો એડવાન્ટેજ લેવાનો છે. આથી સુરતના વેપારીઓ માટે વિશાળ તક છે અને રિલાયન્સ દરેક મદદ કરવા તૈયાર છે.
યાર્ન એકસ્પોના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે યાર્ન એકઝીબીશનમાં કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ ઉપરાંત વિશિષ્ટ યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટ
યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન પ્રદર્શન માટે મૂકાયા છે.
યાર્ન એકસ્પોના ઉદ્ઘાટન સમારોહનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા તથા લેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ આભારવિધી કરી હતી.