કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનુ જીવન પસાર કરી શકે વિશેષ કરીને મહિલાઓ, કિશોરીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે અને નિર્ભય થઈને ઘરની બહાર હરી-ફરી શકે તે ખુબ જરૂરી છે. તેમ છતાં કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ/કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લીલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે.
આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ પાડી તા.૧૭મીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો/કોલેજો, ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા/ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.
read more: નિષ્ફળ કાયદા-વ્યવસ્થાની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે સુરત કોંગ્રેસના ધરણાં
જાહેરનામા અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સ્કૂલ/કોલેજ/ટ્યુશન કલાસીસ/કોચીંગ ઈન્સ્ટીટ્યુટ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધી જાહેરમાર્ગ ઉપર કોઈપણ પુરૂષ પુરૂષોએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સ્કૂલો/કોલેજો/યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મૂકવા આવતા ઓળખપત્ર હોય તેવા જ ઓટો તથા વાન માલિક/ડ્રાઈવરો, વાલીઓ અને વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ કે વાલીઓને મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામુ તા.૧૭/૦૨/૨૦૨૨ થી લાગુ થશે,અને તા.૧૭/૦૪/૨૦૨૨ સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.