દેશના ધારાસભ્યોની સંપત્તિ બાબતે એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં થયેલા દાવા અનુસાર, દેશના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય પાસે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય એવા પણ છે જેની પાસે 2,000 રૂપિયા પણ નથી.
કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર દેશના સૌથી અમીર ધારાસભ્યોની યાદીમાં ટોચ પર છે. એડીઆરના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમાર પાસે 1,413 કરોડથી વધુની સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે દેશના 20 સૌથી ધનિક ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના છે.
બીજા અને ત્રીજા નંબરે સૌથી અમીર ધારાસભ્યો પણ કર્ણાટકના જ છે. બીજા નંબર પર સૌથી અમીર અપક્ષ ધારાસભ્ય ઉદ્યોગપતિ કેએચ પુટ્ટસ્વામી ગૌડા છે. તેમની પાસે 1,267 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયા કૃષ્ણ 1,156 કરોડની સંપત્તિ સાથે ત્રીજા નંબર પર છે.
જો વાત સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની કરવામાં આવે તો, તેમાં એક નામ છે નિર્મલ કુમાર ધારા, જે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય છે, જેમની કુલ જાહેર કરેલી સંપત્તિ માત્ર 1,700 રૂપિયા છે. તેમના પછી ઓડિશાના અપક્ષ ધારાસભ્ય મકરંદ મુદુલી છે, જેમની પાસે 15,000 રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ પંજાબના આમ આદમી પાર્ટીના નરિન્દર પાલ સિંહ સાવના છે, જેમની સંપત્તિના નામે 18,370 રૂપિયા છે.
ADR રિપોર્ટ જણાવે છે કે કર્ણાટકના 14 ટકા ધારાસભ્યો અબજોપતિ (રૂ. 100 કરોડ) છે, જે દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 64.3 કરોડ નોંધાઈ છે. તે જ સમયે, અરુણાચલ પ્રદેશ બીજા નંબર પર છે, જેના 59માંથી 4 ધારાસભ્યો અબજોપતિ છે એટલે કે અહીંના સાત ટકા ધારાસભ્યો અબજોપતિ છે.
શ્રીમંતોની યાદીમાં રહેલા કર્ણાટકના બાકીના ધારાસભ્યોમાં, ખાણખનીજના ઉદ્યોગપતિ ગલી જનાર્દન રેડ્ડી 23માં નંબરે છે. રેડ્ડીની મોટાભાગની સંપત્તિ તેમની પત્ની અરુણા લક્ષ્મીના નામે જાહેર થઈ છે. રેડ્ડીએ તેમની નવી પાર્ટી કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ (KRPP) સાથે 2023ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, કર્ણાટકમાં દેશમાં સૌથી વધુ અબજોપતિઓ ચૂંટાયા, જેમાંથી 32 એવા ધારાસભ્યો છે જેમની સંપત્તિ 100 કરોડથી વધુ છે.
પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો, ટોચના દસ સૌથી ધનિક ધારાસભ્યોમાંથી ચાર કોંગ્રેસના છે. ભાજપના ત્રણ છે. આ અહેવાલ બહાર આવતાની સાથે જ પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.