સુરત હોય મુંબઈ હોય કે પછી દિલ્હી સહીત કોઈપણ નાનું મોટું શહેર દેશમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની ખરાબ હાલત કોઈનાથી છુપી નથી. રસ્તાઓ પરના ખાડા અને રોડ ધોવાઈ જવાના અહેવાલો સામાન્ય છે. સરકાર હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. સરકાર હવે કોંક્રીટના બનેલા રસ્તાઓ બનાવવાનું વિચારી રહી છે. આવા રસ્તાઓ ભારે વરસાદ અને પૂરનો સામનો કરવામાં અસરકારક છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈની શરૂઆતથી, ભારે વરસાદ અને પૂરને કારણે, ઘણી જગ્યાએ રસ્તાઓ નાશ પામ્યા છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય નિષ્ણાત સમિતિની રચના કરશે. આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કેટલાક વિભાગો કોંક્રીટથી મોકળો કરવાની તૈયારી કરી રહ્યા છે, જેથી કરીને આ યોજનાનું પરીક્ષણ કરી શકાય.
ગડકરીએ કહ્યું કે આપણે એવા સ્થળોએ કોંક્રીટના રસ્તાઓનું પરીક્ષણ કરવાની જરૂર છે જ્યાં કુદરતી આફતો આવવાની શક્યતા વધુ હોય. આપણે આંતરરાષ્ટ્રીય ધોરણના રસ્તાઓ, પુલ અને ટનલ બનાવવાની જરૂર છે. જે ભારે વરસાદ અને ભૂસ્ખલનનો સામનો કરવા સક્ષમ છે.
ગડકરીએ કહ્યું કે કોંક્રીટનો રોડ પણ ખર્ચ-અસરકારક હોવો પડશે કારણ કે તેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને તેની કિંમત વધી શકે છે. આવી સ્થિતિમાં અમારે રિસર્ચ અને પછી ટ્રેનિંગ કરવી પડશે. આ ઉપરાંત, આપણી પાસે એવી સંસ્થા હોવી જોઈએ જે આ હેતુ માટે સેવા આપે. મંત્રાલય એ પણ જોશે કે કોંક્રીટ રોડ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ શું છે.