ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજયોમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે. ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમની સપાટીમાં ભારે વધારો થવા લાગ્યો છે. આ સીઝનમાં પ્રથમ વખત ડેમનાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે, બીજીતરફ બૈતુલ સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં પણ આવક આગામી દિવસોમાં ઝડપભેર દેખાય તેવી શક્યતા છે. ગુજરાતમાં શુક્રવાર સાંજથી પલટાયેલા વાતાવરણમાં વરસાદી રાઉન્ડની આશા સાથે ઠંડક પ્રસરી રહી છે.
સૌપ્રથમ વાત નર્મદા નદી અંગે કરીએ તો, ફ્લડ કન્ટ્રોલ રૂમ તરફથી ગુજરાત બ્રેકિંગને મળતી વિગતો અનુસાર- ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં વધારો થતાં મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં શુક્રવારથી જ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરુચ તંત્ર ત્યાંની સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે. ઓમકારેશ્વરમાં પણ નર્મદાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચવાને કારણે જળસ્તરમાં અણધાર્યો વધારો થઈ રહ્યો છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી શનિવારે બપોર સુધીમાં નર્મદા ડેમની સપાટી 136.36 મીટર છે એટલે તે છલકાવવાથી 2.32 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 1,66,371 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. સાવચેતીના પગલારુપે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સંજોગોમાં નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારનાં ગામોને સાવચેતી વર્તવાની તાકીદ થઈ છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તો પણ હાલ ઉપરવાસની સ્થિતિ જોતાં કહી શકાય તેમ નથી. કલેક્ટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામડાઓને સાવધ રહેવા સૂચનાઓ આપી છે.
બીજીતરફ તાપી નદીમાં હાલ તો કોઈ ભયજનક સ્થિતિ નથી પરંતુ સુરત તંત્ર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વરસાદ પર પળેપળની વિગતોથી માહિતગાર થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ભીમપુરથી ખંડવા, આશાપુર રોડ, મહારાષ્ટ્રને જોડતા રસ્તા અને બેતુલ તરફ જતા રસ્તા પર નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ હતી. અહીં સ્થિતિ એ છે કે, તાપી નદીના પુલ પાસે પાણી વહી રહ્યું છે. મહારાષ્ટ્રના દામજીપુરાથી ખંડવા, બુરહાનપુર અને ધારાની જવાના માર્ગ પર નદી-નાળાના પુલ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થયો છે. ઉપરવાસની આ સ્થિતિએ સુરત તંત્રની ચિંતાઓ વધારી હોવાનું સુરત ફ્લડ કન્ટ્રોલ રૂમ સુત્રોનું કહેવું હતું.
ગુજરાતમાં પણ આ તરફ ચોમાસાએ જોર પકડવા લાગ્યું હોય તેવું વાતાવરણ છે. રાજ્યના દાહોદ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, આણંદ, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં શનિવારે સવારથી વરસાદ જોર બતાવી રહ્યો છે. અહીં સૌથી વધુ વરસાદ સવા બે ઈંચ નર્મદાના સાગબારામાં નોંધાયો હતો. સુરતના બારડોલી, નર્મદાના ગરૂડેશ્વર, તાપીના સોનગઢ, સુરતના ઉમરપાડા, તાપીના ઉચ્છલ, વલસાડના કપરાડા તથા છોટા ઉદેપુરમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે.