રાજયના વહિવટી તંત્રમાં ભ્રષ્ટ્રાચાર ‘કોઠે પડી ગયેલી બાબત’ ગણાવા લાગી છે. ખાસ કરીને સુરતના નાગરિકો માટે આ વાત ખાસ એટલે લાગૂ પ઼ડી રહી છે કે, આર્થિક પાટનગરી ગણાતાં આ શહેરના નાગરિકો લહેરી લાલા કહેવાય છે જેમનો ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં ટોપ-5માં સમાવેશ નથી થતો. માનવામાં આવે તેવી વાત નથી પરંતુ હકીકત છે કે, અહીના નાગરીકોમાં જાગૃતતાનું પ્રમાણ નહીવત્ છે. મજાની વાત એ છે કે, 81 ટકાથી વધુ બહારના લોકોની વસ્તી ધરાવતાં સિલ્ક સિટીનો ભલે એ ક્રમમાં નંબર નથી પરંતુ સુરત જિલ્લાના નાગરિકો રાજ્યના સૌથી વધારે જાગૃત છે, જેઓ પ્રથમ નંબરે છે, જ્યારે આવી ફરિયાદો કરવામાં બીજા ક્રમે અમદાવાદ, ત્રીજા ક્રમે રાજકોટ, ચોથા નંબરે વડોદરા અને પાંચમા ક્રમે જામનગરનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાત સરકારી વિભાગોની કરીએ તો, વધુ ફરિયાદો શહેરી વિકાસ તથા ગૃહવિભાગ સામે થઈ હતી જયારે બોર્ડ-નિગમોમાં સૌથી વધુ ફરિયાદ પ્રદુષણ બોર્ડ તથા પીજીવીસીએલ સામે હતી. ગુજરાત સરકારનાં વિવિધ વિભાગો અને બોર્ડ-નિગમોના અધિકારી-કર્મચારીઓ સામે વર્ષ 2021 માં ભ્રષ્ટાચાર ગેરરીતી અને સત્તાનાં દુરૂપયોગ બાબતે કુલ 11,226 ફરિયાદો થઈ હતી, તેમાંથી 281 કેસોમાં વર્ગ-1, 2, 3ના અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાયા છે.
સરકારી વિભાગો અને બોર્ડ-નિગમોનાં અધિકારી કર્મચારીઓ સામે થયેલી ફરિયાદો પૈકી સૌથી વધુ 2659 ફરિયાદો શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે અને બોર્ડ-નિગમો પૈકી સૌથી વધુ 170 ફરિયાદો ગુજરાત પ્રદુષણ બોર્ડ સામે થઈ હતી. એ દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ભ્રષ્ટ ખાતાઓમાં વિકાસ વિભાગ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે.
વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો, સૌથી વધુ ફરિયાદો સુરત જિલ્લાના નાગરિકો તરફથી કરવામાં આવી હતી. જિલ્લામાં સૌથી વધુ ગેરરીતિઓ થઈ રહી છે એમ સમજીએ કે સુરત જિલ્લાના નાગરિકો સૌથી વધાારે જાગૃત છે એ ચર્ચાનો વિષય છે. ફરિયાદ કરવામાં બીજા ક્રમે અમદાવાદ, ત્રીજા ક્રમે રાજકોટ, ચોથા નંબરે વડોદરા અને પાંચમા ક્રમ પર જામનગરનો સમાવેશ થાય છે.
હકીકતમાં, રાજય વિધાનસભામાં તકેદારી આયોગે વર્ષ 2021 માટેના અહેવાલો રજુ કર્યા છે. જેમાં જાણકારી રજૂ થયા પ્રમાણે તકેદારી આયોગને જે કુલ 11,226 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. તેમાંથી 532 અરજીઓની તપાસ નિરિક્ષણ માટે જે તે સત્તામંડળોને મોકલી દેવાઈ હતી જ્યારે 741 કેસમાં જરૂરી કાર્યવાહી માટે આયોગને સંબંધિત સત્તાધિકારીઓને રજુઆત કરી હતી. 6967 કેસની વિગતો કાર્યક્ષેત્ર બહારની વહિવટી બાબતોને સ્પર્શતી, અસ્પષ્ટ આક્ષેપો ધરાવતી હતી. જેને નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે જે તે વિભાગોનાં સતાધિકારીઓને મોકલી આપવામાં આવી હતી.181 અરજીઓ એવી હતી કે, જેમાં વધુ વિગતોની જરૂર હોવાથી તે અરજીઓ અરજીકર્તા કે સંબંધિત વિભાગને પરત મોકલાઈ હતી. જયારે 2806 અરજી તદન અસ્પષ્ટ હોવાથી તેને દફ્તરે કરવામાં આવી છે.
ગેરરીતિ-ભ્રષ્ટાચારની ફરિયાદોમાં ટોપ-5 સરકારી વિભાગ
ફરિયાદ — સરકારી વિભાગ
2659 — શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ
1603 — મહેસુલ
1229 — ગૃહ
1006 — પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ
450 — માર્ગ-મકાન વિભાગ
ગેરરીતિ-ભ્રષ્ટાચારની ફરિયાદોમાં ટોપ-5 બોર્ડ-નિગમ કયાં?
ફરિયાદ — બોર્ડ-નિગમો
170 — ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ
92 — પશ્ચિમ ગુજરાત વીજ કંપની
69 — ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ
68 — ગુજરાત મેરી ટાઈમ બોર્ડ
60 — ગુજરાત પાણી પુરવઠા નિગમ