કેનેડાના મંદિરોને અસામાજિક તત્વોએ નિશાન બનાવતા ભક્તોમાં દહેશતનો માહોલ છે. ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં ગત દસ દિવસોમાં અડધો ડઝન જેટલા મંદિરોમાં તોડફોડ અને લૂંટફાટ મચાવવામાં આવી છે. મંદિરોમાં સિલસિલાબંધ ઘટનાઓ બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરિસરની સુરક્ષા માટે સ્વયંસેવકોએ નાઇટ શિફ્ટ શરૂ કરવાની ફરજ પડી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બાદ પોલીસે મંદિરોની આસપાસ પેટ્રોલિંગ સઘન બનાવવાની બાંહેધરી આપી છે. પોલીસ ઘટના પાછળ એક નિશ્ચિત જૂથનો હાથ માનીને તપાસ આગળ ધપાવી ચૂકી છે.
કેનેડાનાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ 15 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. 15 જાન્યુઆરીએ સૌપ્રથમ બ્રામ્પટનના જીટીએ ટાઉનમાં શ્રી હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિરમાં ભારે તોડફોડ બાદ ઝનુનીઓમાં જાણે ઉત્સાહ આવી ગયો હોય તેમ એક પછી એક ઘટનાઓ બનતી ગઈ. 25 જાન્યુઆરીએ બ્રામ્પટનમાં મા ચિંતપૂર્ણી મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી ત્યારબાદ બ્રામ્પટનનાં જ ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ આ રીતે આતંક મચાવવામાં આવ્યો. એક સમજી વિચારીને થતી સાઝિશ હોય એ રીતે આતંકીઓએ મિસીસૌગાના હિંદુ હેરિટેજ સેન્ટર અને હેમિલ્ટન સમાજ મંદિરમાં પણ આ રીતે જ ઘમાચકડી મચાવી હતી.
read more: લતા મંગેશકરના નિધનના સમાચાર વચ્ચે મલાઈકાએ શેર કરી હોટ તસવીર, થઈ ટ્રોલ
મિસીસૌગામાં હિંદુ હેરિટેજ સેન્ટર ખાતે, ઘટના 30 જાન્યુઆરીએ બની હતી, જ્યારે બે માણસો કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને દાન પેટીઓ અને મુખ્ય કાર્યાલયની તોડફોડ કરી હતી. મંદિર સંચાલકોએ એક નિવેદન જારી કરી જણાવ્યું કે, “આ ઘટનાથી બહોળી સંખ્યામાં હિન્દૂ ભક્તો અને પૂજારીઓ વ્યથિત થયાં છે.”
સિસિટીવી કેમેરામાં કેદ ફૂટેજ અનુસાર, દરેકે ઘટનામાં મુખ્યત્વે બે વ્યક્તિની સંડોવણી જાહેર થઈ રહી છે. આ ઘટનાઓને બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે જ અંજામ આપવામાં આવ્યો હતો. મિસીસૌગાના હિંદુ હેરિટેજ સેન્ટર તરફથી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે પીલ પોલીસે હિંદુ હેરિટેજ સેન્ટરને પુષ્ટિ આપી છે કે તે વ્યક્તિઓનું તે જ જૂથ હતું જે વહેલી સવારે મંદિરોમાં ઘૂસી રહ્યા હતા.