કૂદકે-ભૂસકે વધતા સ્માર્ટ સિટી સુરતમાં અકસ્માતોનું પ્રમાણ પણ ચિંતા ઉપજાવે તેવું છે. રાજ્ય સરકાર અકસ્માતોમાં રોજ લેવાતાં નિર્દોષોના ભોગથી ચિંતિત છે. સુરતમાં રાજ્ય સરકાર ઈચ્છે છે કે અકસ્માતોની સંખ્યામાં ઝડપભેર કમસેકમ અડધોઅડધ ઘટાડો નોંધાય. આ લક્ષ્ય સિદ્ધ કરવા સરકારે સુરતને 4 ઈન્ટરસેપ્ટર વાહનો અને એક કેમ્પર વાહન તથા એક સ્પીડગન ફાળવી હતી અને હવે સુરત પોલીસને 30 લેસરસ્પીડ ગન સાથે સજ્જ કરવામાં આવી છે.
સુરત શહેર ટ્રાફિક શાખાએ આ બાબતે ગુજરાત બ્રેકિંગ સાથે વિસ્તારમાં વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, સ્પીડગનથી કોઈપણ વાહનની ચોક્કસ ગતિ માપી શકાય છે, એટલે નિશ્ચિતરૂપે સરકારે નિયત કરી હોય તેનાથી વધારે સ્પીડમાં કોઈ વાહન પસાર થાય તો એ ઓવરસ્પીડ હતું એટલું જ નહીં કઈ સ્પીડમાં હતું એ પણ ચોક્કસપણે માપી શકાય છે. તેના દસ્તાવેજી પુરાવાના આધારે વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી થાય છે. ટ્રાફિક અધિકારીઓનું કહેવું છે કે, આ સિસ્ટમથી ઓવરસ્પીડને કારણે થતાં અકસ્માતો પર નિયંત્રણ લાવી શકાશે.
અત્યારસુધીના તેના ઉપયોગથી સકારાત્મક પરિણામો ટ્રાફિક પોલીસ મેળવી પણ રહી હોવાનો દાવો કરતાં ટ્રાફિક શાખાના અધિકારીઓનું કહેવું હતું કે, તા. 11 જાન્યુઆરીથી 4 ઈન્ટરસેપ્ટર વાન અને 1 સ્પીડગન કાર્યરત છે. જેના થકી અત્યાર સુધીમાં 31442 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. પોલીસે આ માટે એવો એક્શન પ્લાન અમલમાં લાવ્યો હતો કે, શહેરના જે સ્થળો પર ત્રણ વર્ષમાં પાંચ કે તેથી વધુ અકસ્માત થયા હોય તેવા બ્લેકસ્પોટ નક્કી કરવામાં આવ્યા. આ ત્રણ સ્પોટ હતાં બાટલીબોય સર્કલ-પાંડેસરા, બુડિયા ચોકડી અને આભવા ચાર રસ્તા. અહીં ઈન્ટરસેપ્ટર વાન તેમજ ચુસ્ત ટ્રાફિક નિયમોના અમલના પ્રતાપે નોંધપાત્ર ઘટાડો થયો.
આ સફળતા બાદ ટ્રાફિક પોલીસે એક્શન પ્લાનને વધુ વિસ્તારવાનું નક્કી કર્યું છે જેનાથી શહેરમાં અકસ્માતના બનાવોમાં 50 ટકાથી વધુ ઘટાડો કરવાનો પ્રાથમિક લક્ષ્યાંક સિદ્ધ કરવા પોલીસ જહેમત ઉઠાવશે. 30 નવી લેસર સ્પીડગન આવતાં જ હવે મગદલ્લા વાય જંક્શન, વીઆઈપી રોડ, ભટારથી બ્રેડ લાઇનર સર્કલ, ઉન પાટીયા, વીઆઈપી સર્કલ ઓએનજીસી સર્કલ , એસકે નગર ચાર રસ્તા, રિંગરોડ, તાપી નદીના બ્રિજ ઉપર પોલીસ જવાનો તૈનાત થશે.
પોલીસે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નરના તાબા હેઠળના તમામ વિસ્તાર માટે ભારે અને મધ્યમ વાહનો માટે 40, ટુ-વ્હિલર્સ 50 તેમજ ફોર વ્હિલર્સ માટે 60કીમીની સ્પીડ નક્કી થઈ છે. જો ગતિથી વધારે ઝડપે વાહન ઝડપાશે તો, દંડ અને ડ્રાઈવીંગ લાયસન્સ રદ્ કરવા સુધીની વિવિધ જોગવાઈ છે.