સુરત મહાનગરપાલિકાની હદમાં મિલકત વેરો ન ભરતાં ખાસ કરીને કોમર્શિયલ કોમ્પલેક્સોમાં સીલની કામગીરી હાથ ધરાતાં બાકીદારોને પરસેવો પડી ગયો છે. ઠેર-ઠેર ઊતરી પડેલા અધિકારીઓના ટોળાંએ લાલ આંખ કરી હોટલ અને ક્લબ ચલાવનારાઓ સાથે વિવિધ કોમર્શિયલ કોમ્પલેક્સમાં ભાડું વસૂલીને વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતાં તત્વોને સીધા દૌર કરવા ઝૂંબેશ ચલાવી છે. મનપાની વારંવાર નોટિસ બાદ પણ વેરો ન ભરાતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા જે ભરી નથી રહ્યા તેવા હોટલ, દુકાન અને ક્લબની સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. નાણાકીય વર્ષ પુરુ થતા પૂર્વે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ સાથે રાખીને થતી આ કાર્યવાહીમાં તમામ ઝોન કડકાઇપૂર્વક જોડાયા છે. રાંદેર ઝોને હોટલ ગોલ્ડન સ્ટાર રિસોર્ટ દ્વારા મોટો વેરો ભરાયો ન હોવાથી હોટલ-ક્લબ સીલિંગની કામગીરી કરવામાં આવી હતી. વેરા અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક કોમર્શિયલ કોમ્પલેક્સ હજીપણ આ કાર્યવાહીને ગંભીરતાથી નથી લેતાં અને વેરો સમયસર ભરવાને બદલે સીલ હટાવી મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાથી તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવા પાલિકા તંત્ર મક્કમ છે.
લાખો રૂપિયાની ઉઘરાણી બાકી હોવા છતાં ફક્ત નોટીસ આપીને જ અત્યાર સુધીમાં સંતોષ માની લેતા અધિકારીઓ હવે કામે લાગ્યા છે. નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે સ્વભાવિક રીતે હવે વેરાવ વસુલાતને કામગીરી વધુ ઝડપથી કરવા માટે તાકીદ કરવામાં આવતા અધિકારીઓ પણ દોડતા થયા છે.
બુધવારે સવારે અડાજણ વિસ્તારની કલબ આર્ચિઝમાં બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમ પહોંચી હતી. આ સંસ્થાનો 25.49 લાખનો વેરો બાકી હતો તે સ્થળ પર ભરવાની ના પાડતાં પાલિકાના આકારણી અને વેરા વસુલાતની ટીમ ક્લબને સીલ કરી દીધી હતી.
મનપા દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરાવતા જેમણે વેરો નથી ભર્યો તેઓ દોડતાં થયા છે તો જેઓ આ કાર્યવાહીને પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા તેઓ વિરુદ્ધ આગામી દિવસોમાં ફરી કડકાઇપૂર્વકની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવશે. શોપિેંગ મોલમાં અધિકારીઓને આ પ્રકારનો અનુભવ થયા બાદ રિચેકિંગ માટે પણ તંત્રને દોડાવવાનું નક્કી થયું છે.