ભારત રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન આદરણીય સ્વ.ઈન્દિરા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આદર્શ મહિલા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમબહમાં શહેરના નામાંકિત તબીબ, વકીલ, પત્રકાર તેમજ સમાજસેવિકાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
લાલદરવાજાસ્થિત પટેલવાડી નજીક વાલ્મિકી સમાજની વાડીમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાદળના સૈનિકો, શ્રોતાગણ ઉપસ્થિત રહ્યાં હતા જેમાં મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્વ.ઈન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં ઈન્દિરાજીને યાદ કરવામાં આવ્યા હતા.
ભારતીય મહિલાઓને શક્તિની દેવી તરીકે પ્રસ્થાપિત કરવામાં સ્વર્ગીય વડાપ્રધાનને મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તેને આ તબક્કે યાદ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ સેવાદળના પ્રમુખ સંતોષ પાટીલના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં શહેરના નામાંકિત પિડિયાટ્રિશિયન ડો. હીનાબેન પટેલ, નામાંકિત એડવોકેટ શ્રૃંગીબેન દેસાઈ, પત્રકાર પુજાબેન પાટીલ, પ્રખર સમાજસેવિકા મમતાબેન દેસાઈ તેમજ શબાનાબેન શેખ (પીએચડી)ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ તબક્કે તમામ અગ્રણી મહિલાઓએ મહિલા સશક્તિકરણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહિલા ઘર પણ સંભાળે અને સમાજ પણ સંભાળે છે એટલે એમનું શિક્ષિત હોવું સભ્ય સમાજ માટે ખુબ આવશ્યક છે.
આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન કોંગ્રેસના આગેવાન ચંદ્રકિશોર રાઠીએ સંભાળ્યું હતું જ્યારે સભાનું સંચાલન સુરત શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ સંતોષ પાટીલે સંભાળ્યું હતું.