એરપોર્ટ માટે ખોટો ઘુંટાયેલો એકડો ક્યાં સુધી સુરતીઓને કાન પકડાવશે
એક દાયકાથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ ગુજરાતના આર્થિક પાટનગર સુરતને એક ધમધમતું એરપોર્ટ અપાવવામાં નેતાગીરી વામણી પૂરવાર થઈ છે એ પણ ત્યારે, જ્યાં રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી પોતાના જ પક્ષની સરકાર છે. હકીકત એ છે કે, એરપોર્ટ માટે સુરતની નેતાગીરીએ એકડો જ ખોટો ઘુંટ્યો હતો ત્યારની એ ભૂલ હજીસુધી સુધારાઈ નથી રહી અને ભોગવી રહ્યો છે સુરતનો ઉદ્યોગ અને તેની લહેરીલાલા કહેવાતી પ્રજા. રાજકોટ એરપોર્ટ જે રોકેટ ગતિએ હિરાસરમાં આકાર પામવા ઊડી રહ્યું છે એ જોયા બાદ હવે સુરત એરપોર્ટની લડતે દિશા બદલવાનો સમય પાકી ગયો છે. ડુમસ સિવાય એવા વિકલ્પની માંગ બુલંદીથી અને ઝડપભેર કરવી પડશે કે જ્યાં એક્ચ્યુલ વિકાસ સાંધી શકાય. આ વાત અત્યારે પ્રસ્તુત કરવાના ઘણાં કારણો છે સૌપ્રથમ તો એરપોર્ટ મોનિટાઈઝીંગ પોલિસી બની છે હિરાસર જ્યારે શરૂ થશે ત્યારે રાજકોટ એરપોર્ટ મોનિટાઈઝ થશે ત્યારબાદ સુરત એરપોર્ટ મોનિટાઈઝ થવાના રસ્તાઓ પણ ઝડપભેર ખુલી શકે છે તેમાં કોઈ બેમત નથી. બીજું એ કે હાલના રન-વેની ડિરેક્શન, ઓએનજીસી પાઈપલાઈન અને ઝીંગા તળાવ તેમજ હાઇરાઈઝ બાંધકામો જેવા અનેક વિઘ્નો છે જેમાં ડુમસ એરપોર્ટને ઈચ્છો તો પણ ડેવલપ કરી શકાય તેમ નથી.
તમને એ પણ જણાવી દઈએ અહીં કે, એરપોર્ટ માટે ડુમસ સિવાયના વિકલ્પો ચકાસવા એ આજે નવી બહાર આવેલી માંગ નથી. ખુદ એક સમયના કલેક્ટરે તેમના રિપોર્ટમાં વિવિધ વિકલ્પો સાથે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વહિવટી તંત્રના આટલા અભ્યાસરત પ્રયાસો અને શહેરના વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત નાગરિકોને જો ન્યાય ન આપી શકાતો હોય તો એ આ શહેરના શાસકોની સૌથી મોટી નબળાઈ અને કમનસીબી જ છે. રાતોરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન મેળવીને પણ હિરાસર એરપોર્ટને ગતિ આપી શકાતી હોય તો સુરતમાં આટલી માંગણી અને લાગણીની કેમ કોઈ કિમત સુદ્ધા નથી થઈ રહી.
53 મીટરની હાઇટ મળી ત્યારબાદ 72 મીટરની હાઈટ મેળવવા જે હદે દિલ્હી ધમપછાડા થયાં ત્યારે નક્કી થઈ ગયું હતું કે બીજો રન-વે હવે આ સ્થળે બનવો શક્ય નથી. જ્યાં સુધી એરપોર્ટ અહીંથી ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી તેનો વિકાસ શક્ય નથી. એરપોર્ટ ધમધમતું કરવા નવા વિકલ્પો તપાસ કરવામાં ક્યાં વાત અટકી રહી છે કે ઢીલાશ શા માટે થઈ રહી છે એ અકળ છે. રાજકોટ હિરાસર એરપોર્ટના રાતોરાતના ડેવલપમેન્ટ બાદ એક ખૂણેથી દબાયેલા સ્વરે વાત ઊડી રહી છે કે, સુરત એરપોર્ટ પણ દાંડી કે ઊભરાટ અથવા કોઈ એવા સ્થળે જઈ શકે. જોકે, આવી કોઈ વાતને શાસક કે વહીવટ કક્ષાએ હજીસુધી ઠોસ કોઈ સમર્થન નથી મળી રહ્યું
તમને થોડા ભૂતકાળમાં દોરી જઈએ તો સ્પષ્ટ સમજી શકાશે કે, અહીં વિકાસકાર્યની નિયત પર સવાલ કેમ ઉપસ્થિત થઈ રહ્યો છે. આ માટે શહેરના તત્કાલિન કલેક્ટર મહેન્દ્ર પટેલના સનિષ્ઠ પ્રયાસો જાણી લો, જેમણે જે-તે સમયે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેનને એક વિસ્તૃત અને મજબૂત કારણો-તારણો સાથે એક પત્ર લખ્યો હતો. એ પત્ર દબાઈ ન ગયો હોત તો આજે બેશક બેશક બેશક જ એરપોર્ટની ગાથા અલગ હોત. આ પત્રનો હાર્દ એ હતો કે, હાલનું એરપોર્ટ શહેરી વિસ્તારમાં આવેલું છે. શહેરનો વિકાસશીલ વિસ્તાર તેની આજુબાજુ છે. હયાત રન-વે લંબાવવા તેમજ બીજો રન-વે બનાવવા જે જમીનની જરૂરત વર્તાશે તે મોટેભાગે ખાનગી માલિકીની છે તેની કિંમત ખુબ જ વધારે છે. આ જમીન સંપાદન કરવાની પ્રક્રિયામાં ખૂબ લાંબો સમય વેડફાઈ શકે છે. એરપોર્ટના કારણે હાઈટ રિસ્ટ્રિક્શનથી શહેરના વિકાસને વિપરીત અસર પહોંચી રહી છે ત્યારે શહેરથી દૂર એરપોર્ટ વિકસાવવું ભવિષ્ય માટે અનુકુળ રહેશે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફૂલ સ્ટોપ લાગે છે.
એરપોર્ટને ડુમસથી અન્યત્ર લઈ જવા બળવત્તર માંગ ઊભી થવી જોઈએ તેના કારણોને હજી થોડા વિસ્તારપૂર્વક જોઈએ તો, અહીં એરબસ બી-737, એ-320 અને 321 એ કક્ષાના પેસેન્જર એરક્રાફ્ટની મુવમેન્ટ જ શક્ય છે. પરંતુ વાઈડ બોડી એરક્રાફ્ટની મુવમેન્ટ શક્ય નથી.કેટલાક લોકોની દલીલ એવી છે કે મિલેટ્રી એરક્રાફ્ટ ઉતરી શકે છે તો બીજા કેમ નહીં પરંતુ જાણી લેવું જોઈએ અહીં કે તેનું બંધારણ અલગ હોય છે જેને લાંબા રન-વેની જરૂર વર્તાતી નથી હોતી. પેસેન્જર્સ એરક્રાફ્ટ ફૂલ લોડેડ હોય છે અને તેમાં હ્યુમન લાઈફ સંલગ્ન છે એટલે એ જોખમ ખેડી ન શકાય.
દિવા જેવી સ્પષ્ટ આ વાતો કોણે અને કેમ ન સમજી એ જવાબ શહેરના ઔદ્યોગિક સંગઠનોએ માંગવો જોઈએ. ખેર, દરેકને પોતાના હિત હોય ત્યાં શહેરને આ અન્યાય થવો લાજમી છે. હાલ ભાજપના નેતા તરીકે સ્થાપિત એવા શહેરના માજી કલેક્ટર મહેન્દ્ર પટેલ જેવા પ્રયત્નશીલ અને વ્યાપક જનહિતમાં કામ કરતાં અધિકારીઓ વારંવાર નથી મળતાં જેમણે આ રિપોર્ટ બનાવી એક પહેલ કરી. હવે જ્યારે તેઓ રાજકારણમાં સક્રીય થયા છે તો ત્યારબાદ તેમના સચોટ અભ્યાસનો લાભ સુરતને મળવો જ જોઈએ. જાણી લો કે, તેમણે તો પોતાના રિપોર્ટમાં વિસ્તૃત વિગતો સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટ બની શકે વૈકલ્પિક જગ્યાઓ માટે પણ સૂચનો કર્યા હતા. આ વિકલ્પોમાં સુરતથી 25 કિમીના અંતરે ઓલપાડ તાલુકાના પિંજરત, ઓલપાડ તાલુકામાં જ કુવાદ અને સરસ ખાતેની પડતર જગ્યાઓ ઉપરાંત નવસારી જિલ્લામાં વાંસી, બોરસી તેમજ જલાલપોરના માંગરોળનો સમાવેશ થતો હતો.
હાલ જે ઊડતી ચર્ચાઓ છે એ મુજબ દાંડી સિ-પોર્ટ માટે પ્રપોઝ હતું જે ઉભરાટ જવાનું હોવાથી એટલે દાંડી નવું એરપોર્ટ જાય તેવી શક્યતા છે, જોકે આ વાતોને ક્યાંયથી કોઈ સમર્થન મળી રહ્યું નથી. એરપોર્ટ માટે આ વિકલ્પોની માંગ સાથે હિરાસર બાદ સુરતનો વારો પડે એવું દબાણ લાવવા સુરતીઓએ હાથ એક કરવા રહ્યા અન્યથા આર્થિક પાટનગર કે ડાયમંડ અને સિલ્ક સિટી જેવા ટેગ હટે એ દિવસો જોવા તૈયાર રહેવું જોઈએ એમ માનવામાં સહેજે અતિશયોક્તિ નથી.