રવિવારના દિવસે લોકો આનંદથી રજા પસાર કરવા માટે બહાર જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે એક પરિવાર માટે રવિવાર ગોઝારો બની હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદ આ ઘટના અંગે પોલીસ જવાનો જાણ થતા પોલીસના જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ આ ઘટનાના પગલે નવસારી જિલ્લા કલેકટર પણ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા.
આજે રવિવારની રજા હોવાથી 3 પરિવારના સભ્યો એક સાથે ફરવા માટે આવ્યા હતા. જ્યા 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે. બે મહિલા અને બે પુરુષો પાણીમાં ગરકાવ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
ફાયરની ટીમે તપાસ હાથ ધરી
દાંડીના દરિયામાં આજે મોટી ભરતી હોય ચાર લોકો ડૂબી ગયાની જાણ થતા નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરી રહ્યા છે. જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
દાંડીના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં મોટી ભરતી છે. ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે. આ લોકોને પાણીનો ખ્યાલ નથી આવતો. આજે જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે. સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં જેથી જાનહાનિ ન થાય.
સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કર્યા
આજે રવિવારની રજા હોય અને ગરમી હોય નવસારી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દાંડીના દરિયાકિનારે ફરવા માટે પહોંચ્યા હતા. જો કે, બપોરના સમયે સહેલાણીઓના ડૂબી જવાની ઘટના બનતા જલાલપોર પોલીસે સલામતીના ભાગરૂપે અન્ય સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કરી દીધા હતા.